મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાને લઇને રાજકારણ ગરમાયુ છે. આ મામલે બે આરોપી ઝડપાયા છે. જ્યારે અન્ય એક ફરાર છે. હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગએ લીધી છે. ગઇકાલે એક પોસ્ટ સામે આવી હતી જેમાં સલમાન ખાન અને દાઉદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલાને લઇને સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે આ મામલે બીજેપી નેતાએ સલમાન ખાનને એક સલાહ આપી હોવાનું સામે આવ્યું છે.

બીજેપી નેતાની સલમાનને સલાહ !

પૂર્વ રાજ્યસભા સાંસદ અને ભાજપના નેતા હરનાથ સિંહ યાદવે એક પોસ્ટ કરી છે જેમાં સલમાન ખાનને બિશ્નોઈ સમુદાયની માફી માંગવાની સલાહ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે બિશ્નોઈ સમુદાય કાળા હરણને દેવતા માને છે અને તેની પૂજા કરે છે અને તમે તેનો શિકાર કર્યો, જેના કારણે બિશ્નોઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેણે આગળ લખ્યું કે બિશ્નોઈ સમુદાયની ભાવનાઓનું સન્માન કરીને તેણે પોતાની મોટી ભૂલ માટે બિશ્નોઈ સમુદાયની માફી માંગવી જોઈએ.

સલમાન ખાન અને બિશ્નોઇ ગેંગ વચ્ચે શું કનેક્શન ? 

ઉલ્લેખનીય છે કે લોરેન્સ બિશ્નોઇ ગેંગ છેલ્લા ઘણા સમયથી સલમાન ખાનની પાછળ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોએ બે વખત સલમાન ખાનની રેકી કરી હતી, જેમાંથી પહેલી રેકી ફિલ્મ રેડી દરમિયાન કરવામાં આવી હતી. બીજી વખત પનવેલના ફાર્મ હાઉસની રેકી કરવામાં આવી. આ સિવાય લોરેન્સ ગેંગે સલમાન ખાનના ઘરે ફાયરિંગ પણ કર્યું હતું.
NIAની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ ઘણા રાજ્યોમાં ફેલાયેલી છે અને તેઓ પાસે 700થી વધુ શૂટર્સ છે. NIAએ દાવો કર્યો છે કે બિશ્નોઈ અને તેની ગેંગ એ જ રીતે આગળ વધી રહી છે જેવી રીતે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે 1990માં પોતાની ગેંગ ઉભી કરી હતી.
શું છે કાળા હરણનો કેસ ?
  • 1998માં જોધપુરમાં 'હમ સાથ-સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન તેના કો-એક્ટર સાથે શિકાર કરવા ગયો હતો. 27-28 સપ્ટેમ્બર 1998ની રાત્રે ઘોડા ફાર્મ હાઉસમાં કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો. જેનો દોષ સલમાન ખાન પર હતો.
  • આ પછી, 1 ઓક્ટોબર 1998ની રાત્રે, જોધપુરના કાંકણી ગામમાં રાત્રે લગભગ 2 વાગ્યે ગોળીનો અવાજ સંભળાયો. જ્યારે ગામલોકો સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે બે કાળા હરણનો શિકાર કરવામાં આવ્યો હતો. ગામલોકોએ એક જિપ્સીને ત્યાંથી ભાગતી જોઈ હતી.
  • આ કેસમાં પહેલીવાર સલમાન ખાનની 12 ઓક્ટોબર 1998ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ સલમાનને 17 ઓક્ટોબર 1998ના રોજ જોધપુર જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
  • 5 એપ્રિલ, 2018 ના રોજ, ફિલ્મ અભિનેતા સલમાન ખાનને કાળા હરણના શિકાર કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 7 એપ્રિલ, 2018 ના રોજ, સલમાન ખાનને 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા અને તે જ દિવસે તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

  • Follow us on: