મહારાષ્ટ્રમાં એનસીપી નેતા બાબા સિદ્દીકી હત્યા કેસના તાર હવે યુપી સાથે જોડાતા હોવાનું જોવા મળી રહ્યું છે. મુંબઇ પોલીસે બહરાઇચમાંથી બે લોકોને ઝડપી પાડ્યા છે. જેમાં એકનું નામ હરીશ અને બીજાનું નામ અનુરાગ કશ્યપ છે. આરોપી હરીશની ભંગારની દુકાન પર પુણેમાં ધર્મરાજ અને શિવપ્રસાદ ગૌતમ કામ કરતા હતા.


બંનેની કરવામાં આવી રહી છે પૂછપરછ

મંગળવારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે બહરાઈચના ગંડારા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, ત્યારબાદ બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. હરીશે આ ઘટના બની તે પહેલા જ શિવપ્રસાદ અને ધરમરાજ માટે નવો મોબાઈલ ફોન ખરીદ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હરીશને પણ આ બાબા સિદ્દીકીની હત્યાની સંપૂર્ણ જાણકારી હતી. બંને શકમંદો હત્યાના મુખ્ય આરોપી ધર્મરાજ કશ્યપના સગા છે.

બે લોકોની કરવામાં આવી અટકાયત

બહરાઈચમાંથી બે આરોપીઓની કસ્ટડી બાદ બાબા સિદ્દીકી હત્યા કેસમાં મહત્વની કડીઓ મળી શકે છે. બહરાઇચમાંથી ઝડપાયેલો અનુરાગ કશ્યપ એ આરોપી ધરમરાજ કશ્યપનો ભાઈ હોવાનું કહેવાય છે. પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. જે બાદ આ હત્યાને લઈને વધુ બાબતો પણ સામે આવી શકે છે.

દશેરાએ થઇ હત્યા

ઉલ્લેખનીય છે કે વિજયાદશમીના અવસર પર એનસીપી નેતા બાબા સિદ્દીકીની તેમની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે 9.15 વાગ્યે જ્યારે બાબા સિદ્દીકી પોતાની ઓફિસમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમને નિશાન બનાવ્યા, તે જ સમયે લોકો ફટાકડા ફોડી રહ્યા હતા, આ દરમિયાન ત્રણ આરોપીઓએ તેમના પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓ રસ્તામાં જ મોતને ભેટ્યા.

લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી જવાબદારી

પોલીસે આ કેસમાં આરોપી ગુરમેલ સિંહ અને ધરમરાજ કશ્યપની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેણે બાબા સિદ્દીકી અને તેના પુત્ર જીશાન બંનેની હત્યા કરવા માટે સોપારી લીધી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે.


  • Follow us on: