- 2023માં ટેક સિટી બેંગ્લુરુ છઠ્ઠા અને પૂણે સાતમા સ્થાને
- બેંગ્લુરુના લોકોના એક વર્ષમાં 132 કલાક ટ્રાફિકમાં બરબાદ થયા
- વર્ષ 2023માં બેંગ્લુરુમાં સરેરાશ 10 કિ.મી.નું અંતર કાપતા 29 મિનિટ લાગતી હતી
ભારતનું ટેક હબ અને સ્ટાર્ટઅપના પાટનગર કહેવાતું બેંગ્લુરુ શહેર વિશ્વના સૌથી ભીડભાડ ધરાવતા શહેરોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે. ડચ લોકોશન ટેક્નોલોજીના તજજ્ઞ ટોમ ટોમે વર્ષ 2023ની સ્થિતિ આધારે આ અહેવાલ તૈયાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં બેંગલુરુ શહેર વિશ્વના સૌથી ભીડભાડ ધરાવતા શહેરોની યાદીમાં બીજા સ્થાને હતું. ગયા વર્ષે બેંગ્લુરુમાં સરેરાશ 10 કિ.મી.નું અંતર કાપતા 29 મિનિટ લાગતી હતી. હાલમાં બેંગ્લુરુમાં આટલું અંતર કાપતાં 28 મિનિટ અને 10 સેકન્ડ લાગે છે.
બેંગ્લુરુમાં વર્ષ 2023માં વધુ ભીડભાડ ધરાવતા સમયમાં વાહનોની સરેરાશ ગતિ પ્રતિકલાક 18 કિ.મી. રહેતી હતી. તેવામાં બેંગ્લુરુના લોકોને એક વર્ષમાં અંદાજે 132 કલાક ટ્રાફિકમાં બરબાદ કરવા પડયા હતા. વર્ષ 2023માં લંડન વિશ્વમાં સૌથી વધુ ભીડાભાડ ધરાવતું શહેર બની રહ્યું હતું. ગયા વષે 27 સપ્ટેમ્બરના રોજ બેંગ્લુરુમાં સૌથી વધુ ટ્રાફિકજામની સ્થિતિ બની રહી હતી. તે દિવસે બેંગ્લુરુમાં 10 કિ.મીનું અંતર કાપતાં સરેરાશ 32 મિનિટનો સમય લાગ્યો હતો.










