બેંગલુરુમાં એક મહિલાના ટુકડા કરીને ફ્રીજમાં ભરી દેવાની ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. પરંતુ, હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. અહેવાલો અનુસાર, આ હત્યા કેસમાં મુખ્ય શંકાસ્પદ માનવામાં આવતી વ્યક્તિ ઓડિશામાં મૃત હાલતમાં મળી આવી છે. પોલીસનું કહેવું છે કે તેણે આત્મહત્યા કરી છે અને તેની પાસે એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, બેંગલુરુના ડીસીપી (સેન્ટ્રલ) શેખર એચ ટેકનવરે પુષ્ટિ કરી છે કે મુખ્ય શંકાસ્પદ મુક્તિ રંજન પ્રતાપ રેએ આત્મહત્યા કરી છે.
તમને જણાવી દઈએ કે બેંગલુરુમાં 29 વર્ષીય મહાલક્ષ્મીની હત્યા કેસમાં 31 વર્ષીય રેને મુખ્ય શંકાસ્પદ માનવામાં આવતો હતો. મહાલક્ષ્મીના શરીરના ટુકડા કર્યા બાદ તેને ફ્રીજમાં ભરી દેવામાં આવી હતી. મુક્તિ રંજન પ્રતાપ રે બુધવારે ઓડિશાના ભદ્રક જિલ્લાના ભુઈમપુર ગામ પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા. શનિવારે, પોલીસે બેંગલુરુના વિનાયક નગરમાં રહેતા મહાલક્ષ્મીના ઘરમાં ફ્રીજની અંદરથી મહાલક્ષ્મીના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓને પકડવા ખાસ ટીમ બનાવી હતી. તપાસમાં મુખ્ય શંકાસ્પદ ગણાતા મુક્તિ રંજન પ્રતાપ રે પર શંકાની સોય ગઈ.
સુસાઈડ નોટમાં હત્યાની વાત છે!
પોલીસના જણાવ્યા અનુસાર મુક્તિ રંજને કથિત રીતે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે, બુધવારે સવારે લગભગ 8.15 વાગ્યે મુક્તિ રંજનની આત્મહત્યાના સમાચાર મળ્યા. તેનો મૃતદેહ ભુઈમપુર ગામ પાસે રોડ કિનારે ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તે આ ગામનો રહેવાસી હતો. લગભગ 9 વાગ્યાની આસપાસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને તે પછી તેને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. ઓડિશાના એડિશનલ ડાયરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) સંજય કુમારે કહ્યું કે એક સુસાઈડ નોટ મળી છે જેમાં મુક્તિ રંજને કથિત રીતે મહાલક્ષ્મીની હત્યા કર્યાની કબૂલાત કરી છે.
બેંગલુરુ પોલીસ સુસાઈડ નોટ શોધી શકી નથી
ઓડિશા પોલીસે બેંગલુરુ પોલીસને સુસાઈડ નોટ સોંપી છે કે કેમ તે અંગે કુમારે કહ્યું કે તે કોર્ટનો દસ્તાવેજ છે. તેને મેળવવા માટે, બેંગલુરુ પોલીસે અરજી સબમિટ કરવી પડશે અને કોર્ટની પરવાનગી લેવી પડશે. આ પછી જ અમે તેમને સુસાઈડ નોટ આપી શકીશું. અહેવાલો અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુક્તિ રંજન તેના લેપટોપ બેગ સાથે લગભગ 4 વાગ્યે તેના ગામ ગયો હતો અને બાદમાં તે બાઇક પર સ્થળ છોડી ગયો હતો. માહિતી અનુસાર, ઓડિશામાં કેસની તપાસ કરી રહેલા બેંગલુરુ સિટી પોલીસના અધિકારીઓ પણ મુક્તિ રંજનનાં ગામ જવા રવાના થઈ ગયા છે.