- સ્વતંત્રતા દિવસ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીને મોટી કાર્યવાહી
- NIAએ બબ્બર ખાલસા આતંકી સંગઠનના એક આતંકીની કરી ધરપકડ
- CBIએ ઈન્ટરપોલની મદદથી આતંકવાદી તરસેમ સંધુને ભારત લાવ્યા
સ્વતંત્રતા દિવસ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીને મોટી સફળતા મળી છે. NIAએ શુક્રવારે બબ્બર ખાલસા આતંકી સંગઠનના એક આતંકીની ધરપકડ કરી છે. સીબીઆઈએ ઈન્ટરપોલની મદદથી આતંકવાદી તરસેમ સંધુનું ભારત પ્રત્યાર્પણ કર્યું છે. તરસેમ સંધુને દુબઈથી દેશનિકાલ કરીને ભારત લાવવામાં આવ્યો છે. સંધુ ભારતમાં આવતાની સાથે જ NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તરસેમ સંધુ મોહાલીમાં આરપીજી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી છે.
મળતી માહિતી મુજબ, પકડાયેલ આરોપી તરસેમ સંધુ કુખ્યાત આતંકવાદી લખબીર સિંહ લાંડાનો ભાઈ છે. તરસેમ પંજાબના તરનતારનનો રહેવાસી છે. લાંબા સમયથી સીબીઆઈની આંખમાં ધૂળ નાંખી રહેલા આતંકવાદી તરસેમને ગ્લોબલ ઓપરેશન સેન્ટર વિભાગ દ્વારા એનઆઈએ અને ઈન્ટરપોલ એનસીબીના સંકલનમાં દુબઈથી ભારતમાં તડીપાર કરવામાં આવ્યો છે. 13 નવેમ્બર 2023ના રોજ તરસેમ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તરસેમની ધરપકડને 15 ઓગસ્ટ પહેલા બબ્બર ખાલસા આતંકવાદી સંગઠન વિરુદ્ધ મોટી કાર્યવાહી માનવામાં આવે છે.













