સતત બે મહિના કરતા વધારે ચાલેલી IPLની 18 મી સિઝન વિરાટ કોહલીને તો ફળી ગઈ, RCB ટીમના મલીકને કરોડોની કમાણી કરાવી આપતી ગઈ અને ખેલાડીઓના ગજવા પણ ફાટી જાય એટલી હદ સુધી રૂપિયા ભરતી ગઈ. હવે આ બધા વચ્ચે વિજયની ઉજવણી બેંગલોરમાં ગોઠવાઈ અને નિર્દોષોના જીવ પર અકાળે મોતનો સિક્કો મારતી ગઈ.


બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલી IPL 2025ની વિજય પરેડ વિશે રાજનેતાઓથી લઈને પ્રશાસન અને ફેન્સથી લઈને ફોલોઅર્સ બધાને બધી ખબર હતી. ટીવી પર મોટે ઉપાડે કલાકો પહેલા આ કાર્યક્રમ વિશે શેખી હાંકનારા ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે પાવર પેક શોનું જાણે ટ્રાયલ રન ગોઠવી નાખ્યું હતું , પરંતુ સરવાળે થયું શું ? હજારોની જમનેદની એ રીતે ઉમટી પડી કે જેણે બેંગલુરુના સરકારી તંત્રની ઈજ્જતના લીરેલીરા ઉડાડી દીધા.

યુવાનોથી લઈ મહિલા અને અબાલ વૃદ્ધો એ રીતે આ વિજય પરેડને જોવા માટે ઉમટ્યા હતા કે જાણે IPLનો આ કપ કોઈ દેશના સન્માનમાં જાણે કોઈ ચાર ચાંદ કેમ નથી લગાડી દેવાનો, કે પછી આ શો દેશભક્તિનો કોઈ જુવાળ કેમ નથી લઈ આવ્યો એ પ્રકારનું ચિત્ર ઉભુ થઈ ગયું હતું. સાઉથમાં મોટેભાગે નાની નાની ઈવેન્ટમાં પણ લાખો લોકોની મેદની ઉમટી પડવી એ નાની વાત નથી, ત્યારે આ પ્રકારની કાર્યક્રમમાં તો સ્વાભાવિક પણે તંત્રને પહેલેથીજ અંદેશો આવી જવો જોઈતો હતો કે કશું પણ બની શકે છે.

સરવાળે ભીડ એ હદ સુધી ઉમટી કે તંત્ર કાચું પડી ગયું અને ભીડ તેમના પર હાવી થઈ ગઈ. કીડિયારાની જેમ ઉમટેલી ભીડ કીડી મકોડાની જેમ એક બીજા વચ્ચે કચડાવા લાગી અને મોતની ચિચિયારીઓ સ્ટેડિયમથી ગુંજી ઉઠી. એક તરફ ખેલાડીઓને સ્વાગત માટે હાર પહેરાવાઈ રહ્યા હતા તો બીજી તરફ ઘટેલી દર્દનાક ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોની લાશ પર હાર ચઢી રહ્યા હતા.

અનેક યુવાનો અને રાજ્યના ભાવી સમાન લોકો આ ધક્કામુક્કીમાં મોતને ભેટ ચઢી ગયા ત્યારે સવાલ એ ઉઠે છે કે શું તંત્ર આ પાપની જવાબદારી પોતાને માથે લેશે ? ક્યાં સુધી જનતા આવા કસુવાવડ જેવી સુરક્ષા વ્યવસ્થાની ભેટ ચઢતા રહેશે? આ ઘટનાને લઈ હવે આલમ એ છે કે નેતાઓ ઘરે, ખેલાડીઓ આરામમાં, તંત્ર ચકલા ચુથવા જેવી તપાસમાં અને મૃતકોના પરિવાર જીવનભરની શોકની કાલીમામાં લીન થઈ ગયા છે.

બેંગલુરુ પ્રશાસન પર અહિયાં કેટલાક વેધક સવાલો ઉઠી રહ્યા છે, જેના વિશે આજે વાત કરવી ખુબજ જરૂરી છે.

35,000ની ક્ષમતા વાળા સ્ટેડિયમમાં 2 થી 3 લાખની ભીડ?

બેંગલુરુની સરકાર કેટલી જાડી ચામડીની છે, એ વાતનો અંદાજ માત્ર આ એકજ વાત પરથી લગાવી શકાય છે, કે જે સ્ટેડિયમમાં 35,000ની ક્ષમતા છે ત્યાં 2 થી 3 લાખની ભીડ કઈ રીતે આવી ગઈ. વ્યવસ્થામાં તો પાસથી એન્ટ્રી હતી છતા સ્ટેડિયમની અંદર અને બહાર એટલી બધી ભીડ ઉમટી ત્યારે જ પ્રશાસનની આંખો ખુલી ગઈ હોવી જોઈતી હતી.

બેંગલોર પોલીસનું પાસ પર પ્રવેશનું રટણ

બેંગલોર પોલીસના ગળા પર હવે જ્યારે ગાળિયો કસાયો ત્યારે એક જ વાત પર તેમના અધિકારીઓ વળગી રહ્યા છે કે, તેમણે પાસ પર પ્રવેશની પ્રક્રિયાને જાળવી રાખી હતી. જો કે આ સાચુ હોત તો હજારોની સંખ્યામાં પ્રવેશની સામે લાખો લોકો કઈ રીતે ભેગા થઈ ગયા. અમુક વીડિયોમાં તો એ પણ સામે આવ્યું છે કે જેમાં વર્દીમાં રહેલા પોલીસ અધિકારીઓને ભીડે ઉચકી લીધા અને ડાન્સ કરતા હતા. હવે આ સ્થિતિ જ ઘણું કહી આપે છે કે પોલીસ પ્રશાસન કરી શું રહ્યું હતું !. પોલીસ માટે આ પરેડ અચાનક ઉકળતો તવો બની જશે તે કોઈને ખબર નોહતી અને આ તવો હવે તંત્રના મુછાળા અધિકારીઓને ભલભલે ડામનો દાહ આપી રહ્યા છે.

અંદર જીતનો જશ્ન અને બહાર મોતનું તાંડવ

એક સમયે માની પણ લઈએ કે સ્ટેડિયમની અંદર જે ઉજવણીનો માહોલ ચાલી રહ્યો હતો ત્યાં કદાચ ખેલાડીઓને ખબર પણ નહીં હોય કે બહાર શું ચાલી રહ્યું છે, પરંતુ તંત્ર આ વાતથી અજાણ હોય એ વાત કોઈ પણ ભોગે માની શકાય એમ છેજ નહીં. કહેવાય છે કે આખા શહેરની પોલીસ સ્ટેડિયમ ખાતે ખડકી દેવામાં આવી હતી તો એ શું કહેવાતા નેતાઓ ની સામે તાળીઓ પાડવા માટે હતી કે પછી ભીડ ને કાબૂ કરવા માટે હતી? ખેલાડીઓએ એવો તો કોઈ મોટો મીર દેશ માટે માર્યો નો હતો કે જેને લઈને આખેઆખુ પ્રશાસન 'બેગાની શાદીમે અબદુલ્લા દિવાના' જેવું બની ગયું હતું. આજે 10 કરતા વધારે નિર્દોષોના જીવ જતા રહ્યા તો માત્ર કારણ શું ? કોઈના પ્રત્યેની દિવાનગી, ઝુનૂન, ખેલ પ્રત્યેની સમર્પિત ભાવના કે પછી એક ગાંડપણ ? ગઈકાલ સુધી જેના માતા પર પરિવારની જવાબદારી હતી તે આજે કોઈની બેજવાબદારીનો દાખલો બનીને રહી ગયા.

બેંગલુરૂમાં મોતની વિજય પરેડ !

મોટી સંખ્યામાં સ્ટેડિયમની બહાર ભીડ ભેગી થઈ હતી, તંત્ર નું કહેવું છે કે આજ કારણથી કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો પહેલા વિકટ્રી પરેડ નીકળવાની હતી જે બાદમાં રદ્દ થઈ તો ભીડ ભેગી થઈ, તો પછી સ્ટેડિયમની બહાર જે 5000 કરતાં વધારે પોલીસ હતી એ શું તમાસો જોવા માટે હતી ? સ્ટેડિયમની બહાર એક કમજોર નાળાના સ્લેબ પર લોકો ભીડ કરીને ઊભા હતા એ સ્લેબ તૂટી પડ્યો ભાગદોડ થઈ અને મરનારાઓની કમરના મણકા તૂટી જાય એવી રીતે કચડાઈ ગયા. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ છે અને એ પૈકીના અમુક ક્યારે રિકવરી મેળવશે એ તો આવનારો સમય જ બતાવશે, પણ એટલું નક્કી છે કે 10 કરતા વધારે લોકોના મોત બાદ પણ પ્રશાસનના ચહેરા પરથી માંખ નથી ઉડી રહી એ સાબિત કરે્ છે કે આવી ઘટનાઓ બનતી રહે છે અને બનતી રહેશે જનતાએ બદલાવાની જરૂર છે, તંત્રનું એક જ સ્લોગન દેશભરમાં ખ્યાતનામ છે 'હમ નહીં સુઘરેંગે.'

  • Follow us on: