- મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા પરિસરનો ASI સરવે
- સરવે વિરુદ્ધ મુસ્લિમ પક્ષે કરી છે રોકની માંગ
- મૌલાના કમાલુદ્દીન વેલ્ફેર સોસાયટીએ અરજી દાખલ કરી
ઈતિહાસ પ્રસિદ્ધ રાજા ભોજની રાજધાની મધ્યપ્રદેશના ધાર શહેરમાં સ્થિત વાગદેવી શારદા મંદિર ભોજશાળાનો વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રિમ કોર્ટે ઇન્કાર કર્યો છે.મહત્વનું છે કે અરજીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના નિષ્ણાતોની ટીમ દ્વારા સમગ્ર સંકુલનું વૈજ્ઞાનિક અને ટેકનિકલ સર્વે કરવાના મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશને રોકવાની વિનંતી કરવામાં આવી છે.
હાલ સુનાવણી નહી થાય- એડવોકેટ વિષ્ણુ શંકર જૈન
ભોજશાળા સંકુલમાં ASIના સર્વેની શરૂઆત અંગે હિંદુ પક્ષના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ ASIએ આજે સવારે સર્વેની શરૂઆત કરી હતી. મુસ્લિમ પક્ષે સર્વે સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે તરત જ તેની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. હાલ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી નહીં થાય.
ભોજશાળા કેમ્પસમાં સર્વે શરૂ
ASIની ટીમએ શુક્રવારે વિવાદાસ્પદ ભોજશાળા/કમાલ મૌલા મસ્જિદ સંકુલનો સર્વે શરૂ કર્યો હતો. સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે લગભગ 12 સભ્યોની એક ટીમ સવારે ઘટનાસ્થળે પહોંચી હતી. ધારના પોલીસ અધિક્ષક મનોજ કુમાર સિંહે આ વિશે જણાવ્યું હતું કે "ભોજશાળામાં સર્વેક્ષણ શરૂ થઈ ગયું છે. અમે તેના આચરણ માટે ASI ટીમને લોજિસ્ટિક્સ સંબંધિત તમામ જરૂરી મદદ પૂરી પાડી છે. સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવ્યા હતા. આ કામ દરમિયાન અને હાલમાં શહેરમાં શાંતિ છે.
ભોજશાળા પરિસર પર હિંદુ અને મુસ્લિમોનો શું દાવો છે?
11મી માર્ચે મધ્યપ્રદેશ હાઈકોર્ટે ASIને ધાર જિલ્લાના પરિસરનો 6 સપ્તાહની અંદર વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. હિંદુઓ ASI-સંરક્ષિત ઐતિહાસિક ભોજશાળા સંકુલને વાગદેવી (સરસ્વતી)નું મંદિર માને છે, જ્યારે મુસ્લિમ સમુદાય દાવો કરે છે કે આ જગ્યા કમલ મૌલાની મસ્જિદ છે. 7 એપ્રિલ, 2003ના રોજ જાહેર કરાયેલા ASIના આદેશ હેઠળ, હિન્દુઓને દર મંગળવારે ભોજશાળામાં પૂજા કરવાની છૂટ છે. જ્યારે મુસ્લિમોને દર શુક્રવારે આ સ્થાન પર નમાઝ અદા કરવાની મંજૂરી આપવામાં આવી છે.









