- લોકોમાં વાઘની સુરક્ષાને લઈને જાગરૂકતા ફેલાવવા અનોખી પ્રથા અસ્તિત્વમાં આવી છે
- પેંચ ટાઇગર રિઝર્વની આસપાસના 130 ગામોમાં પાછલા ત્રણ વર્ષથી સહેજ અલગ રીતે રક્ષાબંધનની ઉજવણી
- બહેનો પોતાના ભાઈને રાખડી બાંધતાં પહેલાં પોતાના ચહેરા પર વાઘનું માસ્ક પહેરી લે છે
રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર આમ તો દેશભરમાં બહેન સુંદર રીતે તૈયાર થઈને પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી તેનું મોઢું મીઠું કરાવે છે. પણ મધ્યપ્રદેશના પેંચ ટાઇગર રિઝર્વની આસપાસના તમામ ગામો અને નાના શહેરોમાં પાછલા ત્રણ વર્ષથી સહેજ અલગ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે.
આ ગામોમાં બહેનો પોતાના ભાઈને રાખડી બાંધતાં પહેલાં પોતાના ચહેરા પર વાઘનું માસ્ક પહેરી લે છે અને તે પછી રાખડી બાંધે છે. પેંચ ટાઇગર રિઝર્વ દ્વારા સોશિયલ મીડિયા એક્સ પર શેર કરવામાં આવેલા વીડિયોને મોટાપાયે લાઇક મળી રહી છે. આ વીડિયોમાં બહેનો ચહેરા પર વાઘનું માસ્ક પહેરીને પોતાના ભાઈઓને રાખડી બાંધતી નજરે પડે છે. મધ્યપ્રદેશના પેંચ ટાઇગર રિઝર્વમાં મેનેજમેન્ટએ રક્ષાબંધનને વાઘોની સુરક્ષા અને સંવર્ધન અંગે જાગરૂકતા ફેલાવવાની એક તક તરીકે ઉપયોગ કર્યો હતો.










