બસપા પ્રમુખ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ફરી એકવાર રાજકારણમાં પાછા ફર્યા છે. રવિવારે પાર્ટીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આકાશ અંગે નિર્ણય લેવામાં આવ્યો. હવે આકાશને મુખ્ય રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. ત્રણ રાષ્ટ્રીય સંયોજકો આકાશને રિપોર્ટ કરશે. આજની મીટિંગ પહેલા, આકાશ માયાવતી સાથે પડછાયાની જેમ જોવા મળ્યો હતો.
સૂત્રો દ્વારા મળી માહિતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, આકાશ આનંદ આગામી ચૂંટણીમાં પાર્ટીના પ્રચારની જવાબદારી પણ સંભાળશે. હાલમાં બસપામાં ત્રણ રાષ્ટ્રીય સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે. મુખ્ય રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદ નેતૃત્વ કરશે. જેઓને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે તેમાં રાજ્યસભાના સાંસદ રામજી ગૌતમ, રણધીર બેનીવાલ અને રાજારામનો સમાવેશ થાય છે. રામજી ગૌતમ સંગઠનમાં બિહાર રાજ્યના પ્રભારી પણ છે. આકાશ આનંદની રાજકીય જવાબદારી વધારવાના નિર્ણયને પાર્ટીમાં નવી ઉર્જાનો સંચાર માનવામાં આવી રહ્યો છે.
આકાશ આનંદને મળી જવાબદારી
ભત્રીજા આકાશ આનંદે ગયા મહિને 13 એપ્રિલે સોશિયલ મીડિયા દ્વારા માયાવતીની માફી માંગી હતી, જે કાકીએ સ્વીકારી હતી. ત્યારે માયાવતીએ કહ્યું હતું કે બસપા અને આંદોલન પ્રત્યેના તેમના જીવનના સમર્પણને ધ્યાનમાં રાખીને, તેમને બીજી તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, પછી તેમણે એમ પણ કહ્યું કે મને કોઈને પણ પાર્ટીનો ઉત્તરાધિકારી બનાવવાનો કોઈ પ્રશ્ન જ નથી.
દિલ્હીમાં મળી હતી બેઠક
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીનો જનાધાર છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના ગઢમાં સતત ઘટી રહ્યો છે. રાજ્યમાં તેમને ચંદ્રશેખર રાવણ તરફથી કઠિન પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા માફી માંગ્યા બાદ, માયાવતી દ્વારા આકાશ આનંદને ફરીથી પાર્ટીમાં લેવામાં આવ્યા હતા, પરંતુ તેમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી ન હતી, પરંતુ આજે રવિવારે દિલ્હીમાં પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં આકાશ આનંદ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પહેલા હટાવી દેવાયા હતા
આ બેઠકમાં દેશભરમાંથી પાર્ટીના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશના તમામ જિલ્લા પ્રમુખો અને વિભાગીય સંયોજકોનો સમાવેશ થતો હતો. આકાશ આનંદને પાર્ટીમાં પાછા લીધા પછી આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે છેલ્લી વખત આવી બેઠક યોજાઈ હતી, જેમાં આકાશ આનંદને તમામ પદો પરથી દૂર કરવાનો અને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.













