બિહારના પૂર્ણિયામાં એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે, જેમાં એક રીઅલ એસ્ટેટ બ્રોકરે જમીનોની કિંમતમાં વધારો કરવાની લાલચમાં આવી જઈને એક નદી પર ગેરકાયદે પુલ બાંધી દીધો છે.


આ ઘટનાની જાણ થતાં જ સ્તબ્ધ રહી ગયેલાં અધિકારીઓએ હવે કારી કોસી નદી પર બનેલા 60 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા આ પુલને તોડી પાડવાનો આદેશ આપી દીધો છે. પૂર્ણિયાના મ્યુનિસિપલ કમિશનર કુમાર મંગલમે જણાવ્યું હતું કે પૂર્ણિયા શહેરના રહેમતનગર વિસ્તારમાં વોર્ડ નંબર ચારમાં કારી કોસી નદી પર 60 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો પુલ ખાનગી વ્યક્તિઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી મેળવ્યા વગર જ બનાવી દેવામાં આવ્યો છે. કમિશનરે જણાવ્યું હતું કે આ પુલ પૂર્ણિયા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે અમે જલ સંસાધન વિભાગ પાસેથી પણ આ મુદ્દે સ્પષ્ટતા માંગી છે. કમિશનરે ઉમેર્યું હતું કે આ પુલ કોર્પોરેશનની જાણકારી વગર જ બનાવી દેવામાં આવ્યો છે. ઉચિત કાર્યવાહી કરવા માટે ગત ગુરુવારે અધિકારીઓની એક ટીમે સ્થળની મુલાકાત લીધી હતી. જો કે આ પુલના નિર્માણમાં સ્વાર્થ ધરાવતાં કેટલાક લોકોએ સ્થાનિક લોકોને ઉશ્કેર્યા હતાં તેને પગલે સ્થાનિક લોકોએ સત્તાવાર ટીમનો વિરોધ કર્યો હતો અને અધિકારીઓને તેમની કાર્યવાહી કરતાં રોક્યા હતાં.

જો કે તેમણે ઉમેર્યું હતું કે અમે વર્તમાન કાયદા હેઠળ કાર્યવાહી કરીશું. આ અધિકારીએ આ પુલના નિર્માણ પાછળ ભૂ-માફિયા અને દલાલોની સાઠગાંઠનો ઇનકાર કર્યો ન હતો. જો કે તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક લોકો આ પુલના નિર્માણ પાછળ કોણ કોણ લોકો છે તેની ઓળખ જાહેર કરવા તૈયાર નથી.


  • Follow us on: