- ભાજપે ફગાવ્યું બિહાર સીએમની ઇફ્તાર પાર્ટીનું આમંત્રણ
- સીએમ નીતીશ કુમાર પર ભાજપે કર્યા આકરા વાકપ્રહાર
- નીતીશ કુમારના ઈફ્તાર પાર્ટીમાં સામેલ થવા પર બબાલ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે શુક્રવારે ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું છે. સીએમ નિવાસસ્થાને યોજાનાર ઇફ્તાર પાર્ટીનું આમંત્રણ રાજ્યપાલ સહીત તમામ રાજકીય પક્ષોના નેતાઓને પણ આપવામાં આવ્યું છે. સીએમ નીતીશ કુમાર તરફથી ભાજપના નેતાઓને પણ ઇફ્તાર પાર્ટી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, ભાજપે ઇફ્તાર પાર્ટીનું આમંત્રણ ફગાવી દીધું છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રમજાનના તહેવારને લઈને ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું છે. નીતીશ સરકારે રાજ્યપાલ અને મહાગઠબંધનના નેતાઓને પણ પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે નીતીશ કુમાર તરફથી ભાજપના નેતાઓને પણ તેમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
અમારે ઇફ્તાર પાર્ટીમાં સામેલ નથી થવું: ભાજપ
બિહારમાં વિપક્ષના નેતા vijay કુમાર સિન્હાઈ કહ્યું છે કે બિહાર હિંસામાં સળગી રહ્યું છે. કાયદો વ્યવસ્થા ખતમ થઇ ગઈ છે અને સીએમ ઇફ્તાર પાર્ટી આપી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઇફ્તાર પાર્ટીમાં અમે સામેલ નથી થવા માંગતા. નીતીશ કુમારે ચોર દરવાજે આરજેડીને શાસનમાં લાવી દીધું છે.
રામનવમી પર બિહારમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હતી હિંસા
નીતીશ કુમારે એવા સમયે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું ચેહ જયારે રામનવમીના તહેવાર પર રાજ્યમાં અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી. અને જેને લઈને ભાજપ સતત નીતીશ સરકારને ઘેરી રહી છે. બિહારના જુદા જુદા શહેરોમાં રામનવમીના દિવસે આગચંપી અને હિંસાની ઘટનાઓ બની હતી. તેમાં નાલંદા જિલ્લાના બિહારશરીફમાં રામનવમીના દિવસે બે જૂથો વચ્ચે થયેલ હિંસક અથડામણમાં સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને અનેક રાઉન્ડ ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 5 લોકોને ગોળી વાગી હતી અને એક શખ્સનું મોત પણ થયું હતું. તો, સાસારામમાં પણ બે જૂથો સામસામે આવી ગયા હતા. વિવાદ બાદ જોરદાર પથ્થરમારો થયો હતો, વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને અનેક દુકાનોને આગ પણ લગાડવામાં આવી હતી.

નીતીશ કુમારના ઈફ્તાર પાર્ટીમાં સામેલ થવા પર બબાલ
આ પહેલા નીતીશ કુમાર પટનાના ફુલવારીશરીફમાં આયોજિત એક ઈફ્તાર પાર્ટીમાં સામેલ થયા હતા. ઈફ્તાર પાર્ટીમાં લાલ કિલ્લાનું પોસ્ટર લાગ્યું હતું. બિહાર શરીફ અને સાસારામમાં ભડકેલ હિંસા વચ્ચે સીએમ નીતીશ કુમારની આ ઈફ્તાર પાર્ટી અને આ પોસ્ટરને લઈને ભાજપે નીતીશ કુમાર પર નિશાન સાધ્યું હતું.
બિહાર ભાજપ પ્રમુખ સમ્રાટ ચૌધરીએ નીતીશ કુમાર પર નિશાન સાધતા કહ્યું હતું કે રોમ સળગી રહ્યું હતું ત્યારે નીરો વાંસળી વગાડી રહ્યો હતો. કંઇક આવી જ સ્થિતિ બિહારમાં છે. તેમણે કહ્યું કે નીતીશ કુમાર હવે ઘરડા થઇ ગયા છે, તે કઈ સંભાળી શકે તેમ નથી.
ભાજપ સતત કરી રહ્યું છે વાકપ્રહાર
રામનવમી પર થયેલ હિંસાને લઈને ભાજપ સતત નીતીશ કુમાર સરકાર પર વાકપ્રહાર કરી રહ્યું છે. વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાઈ સીએમ નીતીશ કુમાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હિંસાના કેસમાં માત્ર એક પક્ષ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે.
નીતીશ કુમારે હિંસા માટે ભાજપને ગણાવ્યું જવાબદાર
રામનવમી પર બે સ્થળોએ થયેલ હિંસાને લઈને જયારે નીતીશ કુમારને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આ બંને સ્થળોએ જાણીજોઈને ગડબડ કરવામાં આવી હતી. એટલે જ સ્થિતિ એવી બની ગઈ હતી. બિહારમાં પહેલા ઘણી ગડબડી થતી હતી. અમારા આવ્યા બાદ બધું બંધ થઇ ગયું હતું. તેમણે કહ્યું હતું કે અમિત શાહે સાસારામ જવું હતું એટલે આ ઘટના કરાવવામાં આવી હતી.









