• બિહારમાં ભીષણ ગરમી છતાં સરકારી શાળાઓ ખુલ્લી
  • શાળામાં વિદ્યાર્થિનીઓ બેભાન થવાની સૂચના છતાં એમ્બ્યુલન્સ ન પહોંચી
  • બિહારના ઘણા જિલ્લાઓનું તાપમાન સરેરાશ 45 ડિગ્રીની આસપાસ


બિહારના શેખપુરા જિલ્લાની એક સરકારી શાળામાં કાળઝાળ ગરમીથી 50થી વધુ વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ. વિદ્યાર્થિનીઓની તબિયત બગડતા શાળામાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બાળકોને હોસ્પિટલ લઈ જવા આરોગ્ય વિભાગને ફોન કરવામાં આવ્યો હતો. જો કે ઘણો સમય વીત્યો હોવા છતાં એમ્બ્યુલન્સ ન આવતા ખાનગી વાહનોથી તમામ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડવી પડી. આ દરમિયાન આરોગ્ય વિભાગની બેદરકારીથી નારાજ થયેલા લોકોએ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો.

બિહારમાં ગરમીની સિઝન એની ચરમસીમા પર છે. ભીષણ ગરમીના ત્રાસથી બિહારના ઘણા જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રીને પાર ચાલ્યું ગયું છે. આકરી ગરમીમાં બિહારમાં શાળાઓ ખુલ્લી છે. જેનાથી વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીના પ્રકોપથી બુધવારની સવારે અિયર પ્રખંડના મનકૌલ મધ્ય વિદ્યાલયમાં અચાનક વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ઢળી પડી.

 અચાનક વિદ્યાર્થિનીઓ ઢળી પડી

ઘટના અંગે શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું કે, પ્રાર્થના સમાપ્ત થયા પછી જ્યારે બાળકો વર્ગમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આઠમા ધોરણની વિદ્યાર્થિનીઓ સહિત ડઝન બાળકો એક પછી એક બેભાન થઈ પડવા લાગ્યા. જેથી સ્કૂલમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. શિક્ષકો અને સ્ટાફે બાળકોને પંખાની હવા આપી અને પાણી પીવડાવ્યું. બાળકોને હોસ્પિટલ ખસેડવા એમ્બુલન્સને ફોન કર્યો પરંતુ જ્યારે એમબ્યુલન્સ ન આવી તો તમામ વિદ્યાર્થીઓને ખાનગી વાહનથી હોસ્પિટલ ખસેડવા પડયા હતા.

 બાળકોને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબ સત્યેન્દ્ર કુમારે જણાવ્યું કે હાલમાં જિલ્લામાં તીવ્ર ગરમી છે, જેના કારણે તમામ બાળકો ડિહાઇડ્રેશનનો ભોગ બન્યા હતા. બાળકોને સારવાર આપવામાં આવી રહી છે.

બિહારના 5 શહેરોનું તાપમાન 45 ડિગ્રીથી ઉપર છે

બિહારમાં આ દિવસોમાં ગરમી ચરમસીમાએ છે. અનેક શહેરો આકરી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઔરંગાબાદનું તાપમાન 47.7 ડિગ્રી, દેહરીમાં 47 ડિગ્રી, અરવલમાં 46.9 ડિગ્રી, ગયામાં 46.8 ડિગ્રી અને બક્સરમાં 46.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજધાની પટનાનું તાપમાન 42.8 ડિગ્રી હતું.

  • Follow us on: