• સુલભ ઇન્ટરનેશનલના સંસ્થાપક હતા ડૉ. બિંદેશ્વર પાઠક
  • સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ કાર્ડિયાક અરેસ્ટથી થયું નિધન
  • જુદા જુદા સામાજિક કાર્યોને લઈને પદ્મ ભૂષણથી સન્માનિત

સુલભ ઇન્ટરનેશનલના સંસ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન થયું છે. બિંદેશ્વર પાઠકે દિલ્હી AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દિલ્હી ખાતે તેમની ઓફીસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન તેમની તબિયત અચાનક ખરાબ થઇ હતી, ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારબાદ તેમનું નિધન થયું હતું.

તેમના એક સહયોગીએ જણાવ્યું કે, બિંદેશ્વર પાઠકે સ્વતંત્રતા દિવસના અવસર પર સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ત્યારબાદ તરત જ તેઓ ઢળી પડ્યા હતા, બાદમાં તેમને દિલ્હી AIIMS લઈ જવામાં આવ્યા. ત્યારબાદ 1.42 કલાકે પાઠકને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે.

સુલભ શૌચાલય ક્રાંતિના હતા સુકાની

ભારતમાં શૌચાલય ક્રાંતિ લાવનાર બિંદેશ્વર પાઠકને વર્ષ 2015માં ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જાવી દઈએ કે દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ થવાના ઘણા સમય પહેલા જ બિંદેશ્વર પાઠકે સફાઈને લઈને પહેલ શરૂ કરી દીધી હતી. જાહેર સ્વાસ્થ્યમાં સુધારા, સામાજિક વિકાસ અને માનવાધિકારોની રક્ષાના ક્ષેત્રમાં સક્રિય ભાગીદારી બદલ પાઠકે ‘સ્વચ્છતા’ ને ‘સુલભ’ના રૂપમાં નવી ઓળખ આપી અને તેના માટે તેમણે દુનિયાભરમાં નામના મેળવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

https://twitter.com/narendramodi/status/1691405002001256448

ડૉ. બિંદેશ્વર પાઠકના નિધન પર વડાપ્રધાન મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. તેણે ટ્વીટ કરીને લખ્યું, 'ડૉ. બિંદેશ્વર પાઠકનું નિધન એ આપણા દેશ માટે ઊંડી ખોટ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે સામાજિક પ્રગતિ અને વંચિતોના સશક્તિકરણ માટે વ્યાપકપણે કામ કર્યું હતું. બિંદેશ્વરે સ્વચ્છ ભારતના નિર્માણને પોતાનું મિશન બનાવ્યું. તેમણે સ્વચ્છ ભારત મિશનને જબરદસ્ત સમર્થન આપ્યું હતું. અમારી જુદી જુદી વાતચીત દરમિયાન સ્વચ્છતા પ્રત્યેનો તેમનો જુસ્સો હંમેશા જોવા મળતો હતો. તેમનું કાર્ય ઘણાને પ્રેરણા આપતું રહેશે. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.

ઉલ્લેખનીય છે કે, આજે દેશભરમાં જોવા મળતા તમામ સુલભ શૌચાલય ડૉ. બિંદેશ્વર પાઠકના વિઝનનું પરિણામ છે. તેમણે ઘણા વર્ષો પહેલા આ મિશન પર કામ શરૂ કર્યું હતું અને દેશભરમાં શૌચાલયનું નિર્માણ કરાવ્યું હતું.

પદ્મ ભૂષણથી થયું છે તેમનું સન્માન

બિંદેશ્વર પાઠક બિહારના વૈશાલી જિલ્લાના રહેવાસી હતા, 80 વર્ષીય બિંદેશ્વર પાઠકને વર્ષ 1999માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2003માં તેમનું નામ વિશ્વના 500 ઉત્કૃષ્ટ સામાજિક કાર્યકરોની યાદીમાં પ્રકાશિત થયું હતું. બિંદેશ્વર પાઠકને એનર્જી ગ્લોબ સહિત અન્ય ઘણા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.