- ભાજપે લોકસભાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી
- ભાજપની પાંચમી યાદીમાં 111 ઉમેદવારો જાહેર કરાયા
- આ યાદીમાં મંડીથી કંગના રનૌતને ટિકિટ આપવામાં આવી
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીને લઈને પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 111 ઉમેદવારો સહિત ગુજરાતની 6 બેઠકોના નામ જાહેર કર્યા છે. ભાજપની યાદીમાં ઘણા મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપમાંથી કેટલાક મંત્રીઓ અને કેટલાક સાંસદોની ટિકિટ કપાઈ છે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અને અશ્વિની ચૌબેની ટિકિટ કાપવામાં આવી છે. પાર્ટીએ વરુણ ગાંધીને પણ ટિકિટ આપી નથી. કેટલીક બેઠકો પર ઉમેદવારો પણ બદલવામાં આવ્યા છે. પાર્ટી વતી, ઝારખંડની દુમકા બેઠક પરથી અગાઉ જાહેર કરાયેલા ઉમેદવાર સુનીલ સોરેનની ટિકિટ રદ કરીને સીતા સોરેનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ દિગ્ગજ ચહેરાઓને આપી ટિકિટ
ભારતીય જનતા પાર્ટીની પાંચમી યાદીમાં પાર્ટીએ બિહારના બેગુસરાયથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના નામની જાહેરાત કરી છે. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ કૃપાલ યાદવને પાટલીપુત્ર અને રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહને પણ પૂર્વ ચંપારણથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સીપી ઠાકુરના પુત્ર અને રાજ્યસભા સાંસદ વિવેક ઠાકુરને નવાદા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કંગના રનૌતને હિમાચલની મંડી લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી કેન્દ્રીય મંત્રી વીકે સિંહની ટિકિટ રદ કરવામાં આવી છે અને તેમની જગ્યાએ અતુલ ગર્ગને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વરુણ ગાંધીના સ્થાને પીલીભીતથી જીતિન પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મેનકા ગાંધીને ફરી એકવાર સુલતાનપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગુજરાતના આ ઉમેદવારને મળી ટિકિટ
ભાજપે ગુજરાતના 6 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલવામાં આવ્યા છે. જેમાં વડોદરામાં મહિલા ઉમેદવારને બદલીને પુરુષ અને સાબરકાંઠામાં પુરૂષ ઉમેદવારને બદલીને મહિલાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે. ભાજપે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે 13મી તારીખે બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 7 ઉમેદવારોના નામ હતા.
ગુજરાતની 6 બેઠકોના નામ જાહેર
- વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી
- સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા
- જુનાગઢથી રાજેશ ચુડાસમા
- અમરેલીથી ભરતભાઈ સુતરીયા
- મહેસાણાથી હરિભાઈ પટેલ
- સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરા