- નુપુર શર્મા પ્રકરણ બાદ BJPની નેતાઓને સલાહ
- ગિરીરાજ સહિત 27 નેતાઓને સંભાળીને નિવેદન આપવાની સલાહ
- ભડકાઉ ભાષણથી દૂર રહેવાની પાર્ટીની સૂચના
ભારતીય જનતા પાર્ટીએ તેના ફાયરબ્રાન્ડ લીડર્સ અને પોતાના ભડકાઉ ભાષણથી હંમેશા ચર્ચામાં રહેતા ગિરીરાજ સિંહને (Giriraj Singh) અણઘડ બયાનબાજી કરી ભાષણો આપવાની સ્પષ્ટ ના પાડી છે. પાર્ટીએ આવા કોઇ પણ વિવાદથી દૂર રહેવા માટે જણાવ્યુ છે. ચૂંટણી નજીક છે અને પાર્ટી નથી ઇચ્છતી કે આવા કોઇ વિવાદીત નિવેદન કરીને કોઇ નેતા ફરી પાર્ટીનું નામ ખરાબ કરે.
પાર્ટીએ આવા 38 નેતાઓને સતેજ કર્યા છે અને સુચનાઓ આપી છે જેઓ સમયાંતરે વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે. જેમાંથી 27 નેતાઓને વિવાદાસ્પદ કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા નિવેદનો કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
ભાજપે વિવાદમાં રહેતા નિવેદનોની તપાસ કરી
પાર્ટીએ આ પગલું નુપુર શર્મા વિવાદ વકરતા ઉઠાવ્યું છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા નિવેદનને કારણે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પાર્ટીએ IT નિષ્ણાતોની મદદથી છેલ્લા 8 વર્ષના નિવેદનોની તપાસ કરી તો તેમાં 5,200 નિવેદનો એવા હતા જેની જરૂર નહોતી એટલે કે આ બિનજરૂરી નિવેદનો હતા. 2700 નિવેદનો સંવેદનશીલ જણાયા હતા.
ગિરિરાજના પાંચ વિવાદાસ્પદ નિવેદનો
જો કબર માટે ત્રણ હાથ જમીનની જરૂર પડશે, તો આ દેશમાં આપણે વંદે માતરમ ગાઈશું અને ભારત માતા કી જય બોલીશું.
મુસ્લિમો ભગવાન રામના વંશજ છે મુઘલોના નહીં, તેથી તેમણે રામમંદિરનો વિરોધ ન કરવો જોઈએ. જે લોકો રામ મંદિરનો વિરોધ કરી રહ્યા છે તેમણે સમર્થનમાં આવવું જોઈએ.
2047 સુધીમાં ફરી એકવાર દેશનું વિભાજન થઈ શકે છે. 1947માં ધર્મના આધારે દેશનું વિભાજન થયું અને 2047 સુધીમાં ફરી એ જ સ્થિતિ થશે.
દેવબંદ આતંકવાદની ગંગોત્રી છે. હાફિઝ સઈદ સહિત મોટા આતંકવાદીઓ અહીંથી બહાર પડે છે.
આઝાદી સમયે પાકિસ્તાનની રચના થયા બાદ તમામ મુસ્લિમોને ત્યાં ન મોકલવાની કિંમત ભારત આજ સુધી ચૂકવી રહ્યું છે.
આ તમામ નિવેદન એવા છે જેમાં ભારે વિવાદ સર્જાયો છે. પાર્ટી નથી ઇચ્છતી કે ફરી આવી કોઇ સમસ્યા આવે.