- કંગના રનૌતે ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ
- મંડીમાં રોડ શો યોજ્યો
- કંગનાએ કહ્યું, વિકાસ અમારો મહત્વનો મુદ્દો
બોલિવૂડ અભિનેત્રી કંગના રનોત આ વખતે ભાજપમાંથી ચૂંટણી મેદાને ઉતરી છે. હિમાચલના મંડીમાંથી તેઓ ચૂંટણી લડશે. ત્યારે ઉમેદવાર જાહેર થયા બાદ તેઓએ મંડીમાં રોડ શોનું આયોજન કર્યું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. કંગના અને તેના પરિજનો પર આટલી ભીડ જોઇને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.
વિકાસ અમારો સૌથી મહત્વનો મુદ્દો- કંગના
આ અવસર પર કંગનાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે મંડીની દિકરી અને રાષ્ટ્રવાદી અવાજ આ ચૂંટણીમાં મંડીને રિપ્રેઝન્ટ કરશે. કંગના રનૌતે વધુમાં કહ્યું કે વિકાસ અમારો સૌથી મહત્વનો મુદ્દો છે અને ભાજપનું નેતૃત્વ અને અમારા નેતા નરેન્દ્ર મોદી જે રીતે અમને માર્ગદર્શન આપશે, અમે તેમાં કોઈ કસર છોડીશું નહીં. તેમણે કહ્યું કે મારી મંડીની જનતા બતાવી દેશે કે તેમના દિલમાં શું છે.
મંડી સીટ કંગના માટે કેમ છે ખાસ ?
મંડી સીટ કંગના રનૌત માટે ખાસ છે કારણ કે મંડી અભિનેત્રીનું જન્મસ્થળ છે. અભિનેત્રીનો જન્મ અહીં 23 માર્ચ, 1987ના રોજ થયો હતો. કંગનાનો ઉછેર ભાંભલાની પૈતૃક હવેલીમાં થયો હતો. જોકે અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરે ઘર છોડી દીધું હતું. અભિનેત્રી અભ્યાસ માટે ચંદીગઢ ગઈ હતી અને પછી 16 વર્ષની ઉંમરે ત્યાંથી મોડલિંગ કરતી વખતે મુંબઈ આવી ગઈ હતી. કંગનાએ તેની પહેલી ફિલ્મ ગેંગસ્ટર 19 વર્ષની ઉંમરે કરી હતી.
શું છે પરિવારની પોલિટિકલ હિસ્ટ્રી ?
કંગનાએ રાજકારણમાં આવવાનું વિચાર્યું તેના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ સાચું કારણ માત્ર કંગના રનૌતને જ ખબર હોવી જોઈએ. પરંતુ અભિનેત્રીનો પરિવાર રાજકારણ સાથે જોડાયેલો છે. હકીકતમાં, કંગના રનૌતના પરદાદા, સ્વર્ગસ્થ સરજુ રામ, મંડીના ગોપાલપુર વિધાનસભા મતવિસ્તાર (હવે સરકાઘાટ) ના કોંગ્રેસના ધારાસભ્ય હતા. તેમના દાદા IAS ઓફિસર હતા.
પરિવાર પણ ભાજપને આપે છે સમર્થન
કંગના રાજપૂત પરિવારમાંથી આવે છે. તેના પિતા અમરદીપ રનૌત એક બિઝનેસમેન છે. તેની માતા આશા રનૌત એક સ્કૂલ ટીચર છે. જ્યારે કંગનાની મુંબઈ ઓફિસ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું અને તે પછી જ્યારે સરકારે કંગના રનૌતને વાય પ્લસ સુરક્ષા આપી હતી, ત્યારે તેની માતાએ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ભલે તેમનો પરિવાર અગાઉ કોંગ્રેસમાં હતો, પરંતુ હવે તેઓ ભાજપને સમર્થન આપે છે.
પાર્ટીએ કંગના પર મૂક્યો વિશ્વાસ
મંડી હિમાચલ પ્રદેશની સૌથી મોટી લોકસભા બેઠક છે. હિમાચલી બોલિવૂડ ગર્લ કંગના રનૌતને તેની ગ્લેમરસ ઇમેજ અને બીજેપી માટે સ્પષ્ટ સમર્થનને કારણે ટિકિટ મળવાની શક્યતા પહેલેથી જ હતી. પૂર્વ સીએમ અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરને પણ મંડી સીટ પરથી ઉમેદવાર બનાવવા માટે વિચારણા કરવામાં આવી રહી હતી. પાર્ટીએ આખરે કંગના પર વિશ્વાસ વ્યક્ત કર્યો . મહત્વનું છે કે હાલમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ મંડી બેઠક પરથી સાંસદ છે.









