મોટાભાગના લોકોને પાન મસાલા, ગુટખા અને માવો ખાવાની ટેવ હોય છે. ઘણી વખત મિત્રો, પરિજનો આવી કૂટેવ બદલ ટોકે પરંતુ મોટા ભાગના લોકો આવી લત છોડતા જ નથી. ઘરના લોકો તો કહી કહીને થાકી જાય. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખુદ ધારાસભ્ય આ મામલે મેદાને ઉતર્યા છે. ગામના એક યુવકની એક ખરાબ આદતે આખા ગામને અંધારપટમાં મૂકી દીધુ છે. શું છે સમગ્ર ઘટના , જાણીએ વિગતવાર


બીજેપી ધારાસભ્યનું અનોખુ ફરમાન

મધ્યપ્રદેશના મઉગંજના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પટેલ ફરી ચર્ચામાં છે. કારણ છે એક યુવકને મળેલી અનોખી સજા. યુવકની એક આદતને કારણે આખું ગામ આ સજા ભોગવી રહ્યું છે. સાથે જ કેટલાક લોકો આ સજાને યોગ્ય પણ ઠેરવી રહ્યા છે.

વીડિયો વાયરલ 

ભાજપના ધારાસભ્ય પ્રદીપ પટેલનો વધુ એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક યુવક ધારાસભ્ય પ્રદીપ પટેલ પાસે તેના ગામના ટ્રાન્સફોર્મરની ફરિયાદ લઈને ગયો હતો. પરંતુ ભાજપના ધારાસભ્યએ તેની ફરિયાદ તો સાંભળી પરંતુ સાથે જ મસમોટી સજા પણ સંભળાવી દીધી. થયુ એવુ કે યુવક સમસ્યાની રજૂઆત કરી રહ્યો હતો ત્યારે તે મોઢામાં ગુટખા ખાઇ રહ્યો હતો. ધારાસભ્યની સામે જ તેઓ મોઢામાં ગુટખા ખાતા ખાતા રજૂઆત કરી રહ્યો હતો. બસ આવુ જોઇને ધારસભ્યનો પિત્તો ગયો. તેઓ ગુસ્સે એટલા થઇ ગયા કે તેમણે ટ્રાન્સફોર્મરની સમસ્યાનું સમાધાન લાવતા પહેલા ગુટખા છોડવાની શરત મૂકી દીધી.

માતાને લગાવી દીધો ફોન

આટલુ જ નહી, ધારાસભ્ય પ્રદીપ પટેલે ફરિયાદીની માતાને ફોન કરીને કહ્યું હતું કે, આ તમારો પુત્ર છે, ગામમાં ચાલતા ટ્રાન્સફોર્મરની ફરિયાદ લઈને અમારી પાસે આવ્યો છે. તેમણે પૂછ્યુ કે  "તમારો પુત્ર ક્યારથી ગુટખા ખાય છે? તમે તેને ખાવાથી કેમ રોકતા નથી? શું તે તમારી વાત સાંભળતો નથી?" માતાનો જવાબ આવ્યો તમે મોટા અધિકારી છો, તમે જ તેને ગુટખા ખાતા રોકો. પ્રદીપ પટેલે યુવકને કહ્યું કે, "જ્યાં સુધી તે ગુટખા ખાવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે નહીં. ધારાસભ્યનો આ આદેશ સાંભળીને બધા ચોંકી ગયા. જ્યાં સુધી તે ગુટખા ખાવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ગામમાં ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે નહીં. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે દારૂ, ગાંજા અને કોરેક્સનું સેવન કરનારાની કોઇ પણ વાત સાંભળવામાં નહી આવે.

ધારાસભ્યનો અનોખો અંદાજ 

ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય પ્રદીપ પટેલ હંમેશા પોતાની કાર્યશૈલીને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે એક એસપી સામે દંડવત કરતાં વિવાદ સર્જાયો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સિવાય તે સિક્યોરિટી ગાર્ડ વિના બસમાં મુસાફરી કરવાને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. તમને જણાવી દઈએ કે બીજેપી ધારાસભ્ય પ્રદીપ પટેલ ઘણી વખત સરકારી ઓફિસની અંદર પલંગ લગાવીને ધરણા પર બેસવા માટે પ્રખ્યાત છે.

ટ્રાન્સફોર્મર બન્યો ચર્ચાનો વિષય

ઉલ્લેખનીય છે કે મૌગંજના ધારાસભ્ય પ્રદીપ પટેલ ડ્રગ ડીલરો અને નશાખોરો સામે કડક રહે છે. તાજેતરમાં તે મૌગંજ પોલીસ અધિક્ષકની કચેરીમાં ડ્રગ ડીલરો સામે કાર્યવાહીની માંગણીને લઇને તેઓ પોલીસ અધિક્ષત કાર્યાલયના ત્યા ગયા હતા. જ્યાં તેમણે એડિશનલ એસપીની સામે દંડવત પ્રણામ કર્યા હતા. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ દરમિયાન તેમણે પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા અને ડ્રગ ડીલરો સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે ટ્રાન્સફોર્મર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.


  • Follow us on: