દિલ્હી ચૂંટણી પછી પણ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ઘેરવામાં આવી રહ્યા છે. ભાજપે સોમવારે દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખીને વિનંતી કરી છે કે શીશ મહલની સાથે વિલીન કરવામાં આવેલી અન્ય સંપત્તિઓને રદ કરવામાં આવે. પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, શીશમહલનો વિસ્તાર ચાર સરકારી સંપત્તિઓને ભેળવીને કરાયો છે.
સચદેવાએ કહ્યું કે અમારી સરકાર બન્યા પછી એ વાતનો નિર્ણય કરશે કે આ બંગલાનો કેવો ઉપયોગ કરવો છે. પરંતુ અમારા મુખ્યમંત્રી આ ઘરમાં નહીં રહે. બીજી તરફ, રાહિણીથી નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે ભાજપના મુખ્યમંત્રી બંગલામાં નહીં રહે, કેમ કે, કથિત અનિયમિતતાઓના કારણે આ બંગલો તપાસના ઘેરામાં છે. તેમણે કહ્યું કે અલગ કરાયેલી સંપત્તિઓની જમીનનો ઉપયોગ સરકારી આવાસોના નિર્માણ જેવા અન્ય સત્તાવાર ઉદ્દેશો માટે કરવામાં આવશે.










