- ગેરકાયદે બાંધકામો, સહિતનાં કારણોથી મકાનોમાં તિરાડો પડી
- સરકારી ચોપડે નૈનિતાલમાં માત્ર 148 હોટલ પણ વાસ્તવિક આંકડો 600-700 આસપાસ
- લોકોને નજીવું વળતર આપીને તેમનું નજીકના દુર્ગાપુર ગામમાં પુનર્વસન કરાયું
ઉત્તરાખંડમાં જોશીમઠ બાદ નૈનિતાલ પર પણ સંકટ તોળાઇ રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ગેરકાયદે બાંધકામો, આડેધડ વૃક્ષછેદન સહિતના કારણોસર નૈનિતાલના કેટલાક ભાગોના મકાનોમાં તિરાડો પડી રહી છે. નૈનિતાલના મોલ રોડ નજીકના તથા અન્ય કેટલાક ભાગોના મકાનોમાં તિરાડો પડવાનું શરૂ થઇ ગયું છે. કેટલાક મુખ્ય માર્ગો પર પણ તિરાડો દેખાવા લાગી છે. નિષ્ણાતોનું કહેવું છે કે વિકાસના હેતુ સાથેના ટકાઉ અભિગમ માટે નીતિગત હસ્તક્ષેપ અને વધુ બજેટની જરૂર છે.
સ્થાનિકોના જણાવ્યાનુસાર ખાસ કરીને નૈનિતાલના શેર કા ડંડા અને બલિયા નાલા વિસ્તારોના મકાનોમાં તિરાડો જોવા મળી રહી છે. શેર કા ડંડામાં અંદાજે બે-ત્રણ હજાર અને બલિયા નાલામાં 25 મકાન આવેલા છે. અગાઉ બલિયા નાલા વિસ્તાર ભારે અસ્થિર થઇ જતા ત્યાંના મોટાભાગના મકાનો તોડી પડાયા હતા અને ત્યાંના લોકોને નજીવું વળતર આપીને તેમનું નજીકના દુર્ગાપુર ગામમાં પુનર્વસન કરાયું હતું.










