- પંજાબ કોંગ્રેસને ફટકો
- રવનીત સિંહ બિટ્ટુ ભાજપમાં જોડાયા
- રાહુલ ગાંધીના ગણાય છે નજીકના
લોકસભાની ચૂંટણીને લઇને પક્ષપલટાનો દોર ચાલી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચારમાં જોર લગાવી રહી છે. તો બીજી તરફ પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે પંજાબ કોંગ્રેસને એક ફટકો પડ્યો છે. પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રવનીત સિંહ બિટ્ટુ ભાજપમાં સામેલ થઇ ગયા છે.
લુધિયાણાના વર્તમાન સાંસદ
તેઓ લુધિયાણાના વર્તમાન સાંસદ છે. રાહુલ ગાંધીના નજીકના ગણાતા રવનીત સિંહ બિટ્ટુને પંજાબ કોંગ્રેસનો મોટો ચહેરો માનવામાં આવે છે. રવનીત સિંહ બિટ્ટુએ મંગળવારે સાંજે ભાજપનું સભ્યપદ લીધું. પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપના નેતા વિનોદ તાવડેએ તેમને સભ્યપદની સ્લિપ આપીને અને પ્લેકાર્ડ પહેરાવીને ભાજપમાં સામેલ કર્યા હતા. આ દરમિયાન પંજાબ ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.
પીએમ મોદી-શાહનો આભાર વ્યક્ત કર્યો
ભાજપમાં જોડાયા બાદ રવનીત સિંહ બિટ્ટુએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે છેલ્લા 10 વર્ષથી સંબંધો છે. હું એક શહીદ પરિવારનો છું, મેં એ સમય જોયો છે જ્યારે પંજાબ અંધકારમાં હતું અને બહાર આવતા પણ જોયું છે. તેમણે કહ્યું કે મેં પંજાબની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. હું સરકાર અને પંજાબ વચ્ચે સેતુનું કામ કરીશ.
ત્રણ વખત રહી ચૂક્યા છે સાંસદ
પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંથી એક રવનીત સિંહ બિટ્ટુ છેલ્લા ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. 2009માં તેઓ આનંદપુર સાહિબથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 2014 અને 2019માં લુધિયાણા સીટથી સાંસદ બન્યા. રવનીત બિટ્ટુ પંજાબના પૂર્વ સીએમ બિઅંત સિંહના પૌત્ર છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને અન્ય લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.









