મહારાષ્ટ્રના મુંબઈ શહેરની અને દેશની ધનવાન મહાનગર પાલિકાએ તેનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ BMCનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. જેમાં મુંબઈના વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. BMCએ નાણાકીય વર્ષ 2025-26 માટે 74,427 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. BMC એશિયાની સૌથી ધનિક નગરપાલિકા છે. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ આ બજેટ રજૂ કર્યું હતું.


'લંદન આઇ' ની માફક 'મુંબઈ આઇ' બનાવાશે 

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટને લોકો કેન્દ્રિત ગણાવ્યું અને કહ્યું કે આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ પર ધ્યાન આપીને સામાન્ય માણસનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એક મોટી જાહેરાત કરતા ડેપ્યુટી સીએમ શિંદેએ કહ્યું કે મુંબઈને 'લંડન આઈ' (લંડનમાં થેમ્સ નદીના દક્ષિણ કિનારે કેન્ટીલીવર ઓબ્ઝર્વેશન વ્હીલ)ની માફક 'મુંબઈ આઈ' મળશે. જ્યાંથી આખા મુંબઇને નિહાળી શકાશે. 

best બસ સેવા પાછળ 1 હજાર કરોડનું બજેટ ફાળવ્યું

અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે આ વર્ષના બજેટમાં કોઈપણ પ્રકારના ટેક્સ કે સેસમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તેનાથી વિપરીત, આવકમાં રૂ. 7,000 કરોડથી વધુનો વધારો થયો છે. શિંદેએ એવી પણ જાહેરાત કરી હતી કે આગામી બે વર્ષમાં મુંબઈને ખાડાઓથી મુક્ત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC), જે દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ સંસ્થા માનવામાં આવે છે, તેણે નાણાકીય વર્ષ 2025-26 માટે નાગરિક બસ સેવા 'બેસ્ટ' માટે 1,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ઉપક્રમ ઉપનગરીય ટ્રેનો પછી મહાનગરમાં બીજી સૌથી મોટી જાહેર પરિવહન વ્યવસ્થા છે, જે લગભગ 3,000 બસોનો કાફલો ચલાવે છે. તે દરરોજ 30 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે.


  • Follow us on: