ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં બોમ્બની ધમકી મળ્યા બાદ આકાસા એરલાઈન્સની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ રવિવારે બેંગલુરુથી દિલ્હી થઈને ગોરખપુર જઈ રહી હતી. આ દરમિયાન ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની માહિતી મળી હતી. આ પછી ગોરખપુર એરપોર્ટ પર ફ્લાઈટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.


ગોરખપુર એરપોર્ટના ડાયરેક્ટરે આપી માહિતી

ગોરખપુર એરપોર્ટના ડાયરેક્ટર આરકે પરાશરે જણાવ્યું કે, એરપોર્ટ પર ઝીણવટભરી તપાસ દરમિયાન ફ્લાઈટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ ફ્લાઈટ રવિવારે બપોરે 1.33 કલાકે ગોરખપુર એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી લગભગ 1.50 વાગ્યે દરવાજો ખુલ્યો. આ ફ્લાઈટમાં 174 મુસાફરો અને ત્રણ નવજાત બાળકો સવાર હતા.

પ્લેનના આગમન પહેલા એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

આરકે પરાશરે જણાવ્યું કે, ફ્લાઇટ અને મુસાફરોની તપાસ બપોરે 2:42 વાગ્યા સુધી ચાલુ રહી અને પ્લેન બપોરે 3:43 વાગ્યે દિલ્હી માટે રવાના થયું. પ્લેનના આગમન પહેલા ગોરખપુર એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. જેમાં પોલીસ, ઈન્ડિયન એરફોર્સ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા

તેમણે જણાવ્યું કે, પરિસ્થિતિને સંભાળવા માટે વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને એરક્રાફ્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. બધું ક્લિયર થયા બાદ પ્લેન દિલ્હી જવા રવાના થયું. બે દિવસ પહેલા પણ આવી જ ધમકી મળી હતી.

50 ફ્લાઈટને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ 50 ફ્લાઈટને રવિવારે બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે. અકાસા એરએ કહ્યું કે, તેની 15 ફ્લાઈટને સુરક્ષા ચેતવણીઓ મળી છે. આ પછી તમામ વિમાનોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળ્યા બાદ તમામ એરક્રાફ્ટ ઓપરેશન માટે છોડવામાં આવ્યા હતા.

  • Follow us on: