- બોમ્બે હાઈકોર્ટની ઓરંગાબાદ ખંડપીઠે આપ્યો મહત્વનો ચુકાદો
- POCSO એક્ટ હેઠળ ગર્ભપાત કરવાની પરવાનગી માંગી હતી
- કોર્ટે સગીરાને બાળકને જન્મ આપ્યા બાદ દત્તક આપવા છૂટ આપી
બોમ્બે હાઇકોર્ટે 17 વર્ષની સગીરાને લગતી એક અરજી પર સુનાવણી કરતાં મોટો ચુકાદો આપ્યો છે. સગીરાએ કોર્ટ પાસે એબોર્શન કરાવવા માટે અનુમતિ માંગી હતી પરંતુ કોર્ટે તેને મંજુરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. બોમ્બે હાઈકોર્ટની ઓરંગાબાદ ખંડપીઠે કહ્યું છે કે આ બાળક સહમતી સાથે બનાવેલા સંબંધોનું પરિણામ છે, એવામાં તે બાળકને દુનિયામાં જીવતા આવવાનો હક છે.
જસ્ટિસ રવિન્દ્ર ઘુગે અને વાયજી ખોબરાગડેની ખંડપીઠે 26 જુલાઈના રોજ આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે કે સગીરા આ મહિને 18 વર્ષની થવાની છે. આટલું જ નહીં ડિસેમ્બર 2022થી તેના એક છોકરા સાથે સહમતિથી સંબંધ બનાવી રહી હતી.
કોર્ટે કહ્યું: સહમતી સાથે બનાવ્યા હતા સંબંધો
ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું હતું કે પીડિત સગીરા અને આરોપી છોકરાએ પોતાની મરજીથી ઘણી વખત શારીરિક સંબંધો બનાવ્યા. કોર્ટે એ પણ લખ્યું કે છોકરી પોતે ફેબ્રુઆરીમાં પ્રેગ્નેન્સી કીટ લાવી હતી, જેનાથી ચેક કર્યા બાદ તેને પ્રેગ્નન્સી અંગે ખબર પડી હતી. કોર્ટે કહ્યું, 'છોકરી પોતાની સાથે થઈ રહેલી બાબતોથી અજાણ નહોતી, તેને સંપૂર્ણ સમજ હતી. જો તેણી ગર્ભ ધારણ નહોતો કરવો તો તે ગર્ભાવસ્થા અંગે જાણ થતાંની સાથે જ ગર્ભપાત કરવાની પરવાનગી માંગી શકતી હતી.
સગીર યુવતીએ તેની માતા મારફતે કોર્ટમાં આ અરજી કરી હતી. માતાએ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ બાળકને ગર્ભપાત કરવાની પરવાનગી માંગી હતી. જણાવી દઈએ કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ 20 અઠવાડિયાથી વધુની પ્રેગ્નન્સીને સમાપ્ત કરવા માટે કોર્ટની પરવાનગી લેવી પડે છે. સગર્ભાવસ્થાને કારણે માતા અથવા બાળકનું જીવન અથવા આરોગ્ય જોખમમાં હોય ત્યારે આ કરી શકાય છે.
આ કેસની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રેગ્નન્સીને કારણે પીડિતાની માનસિક સ્થિતિ પર અસર થઈ રહી હતી, જેના કારણે તે ભણવામાં ધ્યાન આપી શકતી નહોતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પીડિતા ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે છોકરીએ બાળકને જન્મ આપવો પડશે. જો કે, બાદમાં, જો તે ઈચ્છે, તો તે બાળકને અન્યને દત્તક આપી શકે છે. કોર્ટે યુવતીને આ અંગે છૂટ આપી છે.