કર્ણાટકની રાજધાની બેંગલુરુના દક્ષિણ તાલુકાના મડાપટ્ટના વિસ્તારમાં આજે ગુરુવારે સવારે એક અત્યંત કરૂણ અને દુઃખદ અકસ્માત સર્જાયો હતો. એક પથ્થર ખાણમાં અચાનક પથ્થરોનો મોટો કાટમાળ ધસી પડતા બિહારના 7  મજૂરોએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.

દુર્ઘટના કેવી રીતે બની?

પોલીસના જણાવ્યા અનુસાર, વહેલી સવારે જ્યારે કામદારો ખાણમાં પોતાનું દૈનિક કામ કરી રહ્યા હતા, ત્યારે આશરે 40 ફૂટની ઊંચાઈએથી એક વિશાળ ખડક અચાનક નીચે ધસી પડ્યો હતો. ખાણકામમાં રોકાયેલા કામદારો આ અચાનક થયેલા ભૂસ્ખલનનો સામનો કરી શક્યા નહીં અને તેની નીચે દબાઈ ગયા.  દુર્ઘટના સમયે ત્યાં અંદાજે 18 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. આ અચાનક બનેલી ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ઘણા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે.

https://twitter.com/PTI_News/status/2072554536175390836

બચાવ કામગીરી અને પોલીસ તપાસ

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને બચાવ દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને હાલમાં યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી કાટમાળ નીચે અન્ય કોઈ ફસાયેલું હોય તો તેને શોધી શકાય. ઘાયલ કામદારોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

તપાસના આદેશ અપાયા

પોલીસે મૃતકોની ઓળખ કરી તેમના બિહાર સ્થિત પરિવારોને જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વહીવટીતંત્ર દ્વારા ખાણકામમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, અને આ ઘટના પાછળ કોઈની ગંભીર બેદરકારી છે કે કેમ, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ખાણકામ વિસ્તારોમાં કામદારોની સુરક્ષા અને સલામતીના ધોરણો સામે અનેક સવાલો ઉભા કર્યા છે. આ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે.

આ પણ વાંચોઃ Delhi-NCR માં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, લોકોને ગરમીથી મળી રાહત