WPI Inflation May 2026: દેશમાં મોંઘવારીએ ફરી એકવાર સામાન્ય જનતા અને ઉદ્યોગ જગતની ચિંતામાં મોટો વધારો કર્યો છે. મે 2026માં ભારતનો જથ્થાબંધ મોંઘવારી દર વધીને 9.68 ટકા પર પહોંચી ગયો છે. આ આંકડો એપ્રિલ મહિનાના 8.26 ટકા અને બજારના 9.1 ટકાના અંદાજ કરતાં ઘણો વધારે છે. જથ્થાબંધ સ્તરે કિંમતોમાં આવેલા આ તીવ્ર ઉછાળા પાછળ કાચો માલ, ઇંધણ, ઊર્જા અને ઉત્પાદિત વસ્તુઓની કિંમતમાં થયેલો વધારો મુખ્ય કારણ માનવામાં આવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સરકારે હવે મોંઘવારીની ગણતરી માટેનું આધાર વર્ષ 2011-12થી બદલીને 2022-23 કરી દીધું છે.

ઇંધણ અને વીજળીના દરોમાં ભારે ઉછાળો

પશ્ચિમ એશિયા સંકટ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધીના કારણે ક્રૂડ ઓઇલની આયાત ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. જેની સીધી અસર દેશમાં ઇંધણના ભાવો પર જોવા મળી રહી છે. ઇંધણ અને વીજળી ક્ષેત્રે જથ્થાબંધ મોંઘવારી મે મહિનામાં ઉછળીને 30.33 ટકા પર પહોંચી ગઈ છે, જે એપ્રિલમાં 24.89 ટકા હતી. જ્યારે કાચા પેટ્રોલિયમમાં મોંઘવારી દર મે મહિનામાં 61.51 ટકાના ઉચ્ચ સ્તરે નોંધાયો છે. આ જ કારણે મે મહિનાના બીજા પખવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 7.50 રૂપિયાનો વધારો થયો હતો.

છૂટક મોંઘવારી પણ 5 મહિનાની ટોચે

જથ્થાબંધ બજારની સાથે સામાન્ય ગ્રાહકોને અસર કરતી છૂટક મોંઘવારીના મોરચે પણ મોટો ઝટકો લાગ્યો છે. મે 2026માં છૂટક મોંઘવારી દર વધીને 3.93 ટકા થઈ ગયો છે, જે એપ્રિલમાં 3.48 ટકા હતો. છેલ્લા 5 મહિનામાં આ પ્રથમ વખત છે, જ્યારે છૂટક મોંઘવારી ભારતીય રિઝર્વ બેંકના 4 ટકાના ટાર્ગેટની સાવ નજીક પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી અનુસાર, મે મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓનો છૂટક મોંઘવારી દર વધીને 4.78 ટકા રહ્યો છે.

રાજ્યોની સ્થિતિ અને RBIનો નવો અંદાજ

વધતા જતા ઇનપુટ ખર્ચને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીનો અંદાજ 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર 4.25 ટકા નોંધાયો છે. રાજ્યોની વાત કરીએ તો, તેલંગાણામાં સૌથી વધુ 6.15 ટકા અને મિઝોરમમાં સૌથી ઓછી 1.03 ટકા મોંઘવારી જોવા મળી છે.

મોંઘવારીની ગણતરી કેવી રીતે થાય છે?

દેશમાં મોંઘવારી બે રીતે માપવામાં આવે છે

  • છૂટક મોંઘવારી: આ સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત હોય છે. જેમાં ખાદ્ય પદાર્થો અને ઉત્પાદનોનો હિસ્સો 45.86 ટકા અને હાઉસિંગનો હિસ્સો 10.07 ટકા હોય છે.
  • જથ્થાબંધ મોંઘવારી: આનો અર્થ એ કિંમતો છે, જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલે છે. જેમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો હિસ્સો 63.75 ટકા, પ્રાઇમરી આર્ટિકલ 22.62 ટકા અને ફ્યુઅલ-પાવરનો હિસ્સો 13.15 ટકા હોય છે.


આ પણ વાંચો - Stock News Today: ટ્રમ્પની માત્ર એક જાહેરાત...શેરબજાર ઝૂમી ઉઠ્યુ, આ 10 શેર્સ બન્યા રોકેટ


  • Follow us on: