દિલ્હીમાં સંસદની કાર્યવાહી ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. સરકારે લોકસભા અને રાજ્યસભામાં ફરી એક દિવસ માટે બેઠક બોલાવવા માટે વિનંતી કરી છે.સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી.તેમના જણાવ્યા અનુસાર,લોકસભાની બેઠક સોમવાર, 30 નવેમ્બર 2026ના રોજ અને રાજ્યસભાની બેઠક બુધવાર, 2 ડિસેમ્બર 2026ના રોજ બોલાવવાની વિનંતી કરવામાં આવી છે.

કિરણ રિજિજુએ સોશિયલ મીડિયા પર માહિતી આપી

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે આ સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહીનો જ ભાગ છે.તેને નવું સત્ર માનવામાં આવશે નહીં.સરકારે લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિને બંને ગૃહોની બેઠક ફરીથી બોલાવવા માટે વિનંતી કરી છે. રિજિજુએ જણાવ્યું હતું કે આ બેઠકોનો હેતુ જરૂરી સરકારી કામકાજ પૂર્ણ કરવાનો છે. તેમણે કહ્યું કે કામકાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બંને ગૃહોની બેઠક 3 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ શકે છે.

મહિલા અનામત અને પરિસીમન બિલની લઈ ચર્ચાની શક્યતા

દરમિયાન, સંસદમાં મહિલા અનામત કાયદાના અમલીકરણ માટે સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા વિધેયકને લઈને ચર્ચા ચાલી રહી છે.આ મુદ્દે સંસદનું વિશેષ અથવા વિસ્તૃત સત્ર બોલાવવામાં આવે તેવી અટકળો પણ હતી.આવી સ્થિતિમાં લોકસભા અને રાજ્યસભાની બેઠકો ફરી બોલાવવાની વિનંતીને આ વિધેયક સાથે જોડીને જોવામાં આવી રહી છે.જોકે,સરકારે હજુ સુધી બેઠકના એજન્ડામાં આ વિધેયકનો સમાવેશ કરવામાં આવશે કે નહીં તેની પુષ્ટિ કરી નથી.

ચોમાસુ સત્ર 100 દિવસ બાદ પણ ઔપચારિક રીતે પૂર્ણ થયું નથી

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 13 ઓગસ્ટના રોજ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે, તેના 103 દિવસ બાદ પણ બુધવાર રાત સુધી ચોમાસુ સત્ર ઔપચારિક રીતે પૂર્ણ થયું નહોતું. આ પહેલાં વર્ષ 2008માં સંસદનું સત્ર 87 દિવસ સુધી ઔપચારિક સમાપન વિના ચાલ્યું હતું.ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈના રોજ શરૂ થયું હતું. ત્યારબાદ 13 ઓગસ્ટના રોજ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ બંને ગૃહોનું સત્ર હજુ સુધી ઔપચારિક રીતે પૂર્ણ કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચોઃ Constitution Day 2026: કેટલાક લોકો બંધારણને લહેરાવે છે..ખિસ્સામાં મૂકે છે..સંવિધાન દિવસ પર બોલ્યા અમિત શાહ