ઝારખંડમાં છેલ્લા 24 દિવસથી પરીક્ષામાં કથિત ગેરરીતિ અને અનિયમિતતાના મુદ્દે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. હેમંત સોરેન સરકારે TDPL દ્વારા લેવામાં આવેલી તમામ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં JSSC-CGLની પરીક્ષાનો પણ સમાવેશ થાય છે. જોકે, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ હજુ પણ સમગ્ર મામલાની CBI તપાસની માગ પર અડગ છે.


મુખ્યમંત્રીએ કેબિનેટના મંત્રીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી

JPSC અને JSSCની પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં વિદ્યાર્થીઓ રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે છેલ્લા 24 દિવસથી આંદોલન કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓના મુદ્દાઓને લઈને મુખ્યમંત્રી હેમંત સોરેને ઝારખંડ મંત્રાલયમાં કેબિનેટના મંત્રીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ JSSC-CGL પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય જાહેર કર્યો. તેમણે કહ્યું કે સરકાર વિદ્યાર્થી હિતોને ધ્યાનમાં રાખીને કડક કાયદો બનાવશે અને પરીક્ષા પ્રક્રિયામાં સુધારા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે.

રિફોર્મ કમિટી બનાવવાનો પણ નિર્ણય લીધો

મુખ્યમંત્રી સોરેને જણાવ્યું કે પરીક્ષાઓ કેવી રીતે યોજવી તે માટે પહેલેથી જ SOP એટલે કે Standard Operating Procedure નક્કી છે. જો SOPનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હોત તો આવી ગેરરીતિઓ સર્જાઈ ન હોત. હવે સુધારાની પ્રક્રિયામાં વધુ જરૂરી જોગવાઈઓ ઉમેરવામાં આવશે. સરકારે પરીક્ષા પ્રક્રિયામાં સુધારા માટે IAS અધિકારી અમિતાભ કૌશલની અધ્યક્ષતામાં રિફોર્મ કમિટી બનાવવાનો પણ નિર્ણય લીધો છે. 

આ કમિટી પરીક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓનો અભ્યાસ કરીને પારદર્શિતા વધારવા માટે સૂચનો કરશે. જોકે, પરીક્ષાઓ રદ્દ કરવાના નિર્ણય બાદ પણ વિદ્યાર્થીઓનું આંદોલન સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી. વિદ્યાર્થીઓ સમગ્ર મામલાની CBI તપાસની પોતાની મુખ્ય માગ પર હજુ પણ અડગ છે.