મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી તણાવગ્રસ્ત પરિસ્થિતિ અને વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે ભારતના ઉર્જા ક્ષેત્ર માટે ખૂબ જ રાહતના અને મોટા સમાચાર સામે આવ્યા છે. તમામ અવરોધો અને ભૌગોલિક-રાજકીય પડકારોને પાર કરીને એલએનજી ટેન્કર 'દિશા' સુરક્ષિત રીતે ગુજરાતના ભરૂચ સ્થિત દહેજ એલએનજી ટર્મિનલ ખાતે પહોંચી ગયું છે. આ જહાજ વૈશ્વિક સ્તરે અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની પસાર કરીને ભારત પહોંચવામાં સફળ રહ્યું છે. તાજેતરમાં થયેલી અમેરિકા-ઈરાન પીસ ડીલ બાદ ભારતનું આ એક ખૂબ જ મહત્વનું અને મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.


 62370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસનો જથ્થો આવ્યો


આ વિશાળ જહાજમાં ભારતના ઉદ્યોગો અને ઉર્જા જરૂરિયાતો માટે અત્યંત મહત્વનો એવો 62370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નો જથ્થો લાવવામાં આવ્યો છે. આ જથ્થો દહેજ ટર્મિનલ પર અનલોડ થયા બાદ અહીંથી પાઇપલાઇન નેટવર્ક દ્વારા દેશભરના વિવિધ રાજ્યો અને ઔદ્યોગિક એકમોમાં સપ્લાય કરવામાં આવશે, જેથી સ્થાનિક બજારમાં ગેસની અછત વર્તાશે નહીં. 

 

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનું નિવેદન


આ સફળ ઓપરેશન અને જહાજ ભારત પહોંચવા અંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સશક્ત નેતૃત્વમાં ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા સંકટનો મજબૂતાઈથી મુકાબલો કર્યો છે. વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત છબી અને રાજદ્વારી સંબંધોના કારણે જ આવા મુશ્કેલ સમયમાં પણ આપણી એનર્જી સપ્લાય ચેઈન સુરક્ષિત રહી શકી છે. મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે હોર્મુઝ જેવી વ્યૂહાત્મક જગ્યાએથી ભારતીય જહાજનું હેમખેમ પસાર થવું તે વૈશ્વિક સ્તરે ભારતની વધેલી શાખ અને ક્ષમતા દર્શાવે છે. 

  • Follow us on: