કેન્દ્ર સરકારે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ગ્રાહકો માટે મોટી રાહત આપતા નોન-ડોમેસ્ટિક પેક્ડ LPG સપ્લાય પર લાગેલા તમામ સેક્ટર-વાઇઝ પ્રતિબંધો હટાવી લીધા છે. પશ્ચિમ એશિયા સંકટ પહેલા જે સ્થિતિ હતી, તે પ્રમાણે હવે LPG સપ્લાય ફરીથી સામાન્ય સ્તરે લાવવામાં આવ્યો છે.


હોટેલ અને વિવિધ ઉદ્યોગોને મોટી રાહત

સરકારે વધુમાં સંકટ દરમિયાન રોકવામાં આવેલી બલ્ક LPG સપ્લાયમાં પણ છૂટછાટ આપી છે. હવે આ સપ્લાયને સંકટ પહેલાના વપરાશના 50 ટકા સુધી મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી રેસ્ટોરન્ટ, હોટેલ અને વિવિધ ઉદ્યોગોને મોટી રાહત મળશે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે માહિતી આપી છે કે પશ્ચિમ એશિયા સંકટ દરમિયાન દેશમાં ઘરેલુ LPG ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા “આવશ્યક વસ્તુ અધિનિયમ” હેઠળ કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. તે સમયે C3-C4 સ્ટ્રીમનો ઉપયોગ માત્ર LPG ઉત્પાદન માટે જ કરવામાં આવતો હતો અને તેને પેટ્રોકેમિકલ અથવા અન્ય ઉપયોગોથી દૂર રાખવામાં આવ્યો હતો.

ઉદ્યોગ ક્ષેત્રને જરૂરી ઈંધણ સરળતાથી ઉપલબ્ધ થશે

હવે LPG ઉત્પાદન અને આયાતી કાર્ગોની ઉપલબ્ધતામાં સુધારો થતાં સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. સાથે જ C3/C4 સ્ટ્રીમના ઉપયોગને ફરી સંતુલિત રીતે મંજૂરી આપવામાં આવી છે, જેથી ઘરેલુ LPG સપ્લાય પર કોઈ અસર ન પડે. સરકારનું કહેવું છે કે દેશમાં રોજનો LPG ઉત્પાદન ઓછામાં ઓછો 40 TMT (થાઉઝન્ડ મેટ્રિક ટન) જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ નિર્ણયથી બજારમાં સપ્લાય સ્થિર રહેશે અને ઉદ્યોગ ક્ષેત્રને જરૂરી ઈંધણ સરળતાથી ઉપલબ્ધ થશે.


  • Follow us on: