જંતર-મંતરથી લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન અને વિદ્યાર્થીઓની માગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું, જેને હવે પીએમ મોદીએ સ્વીકારી લીધું છે.

શિક્ષણ મંત્રીએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી 

ધર્મેન્દ્ર પ્રધાને પેપર લીક મામલે નૈતિક જવાબદારી સ્વીકારતા બપોરે વડાપ્રધાનને પોતાનું રાજીનામું સોંપ્યું. 25 જુલાઈ 2026નો દિવસ આ સમગ્ર ઘટનાક્રમમાં મહત્વપૂર્ણ બની રહ્યો છે. છેલ્લા એક મહિનાથી પેપર લીક કાંડ અને શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ સામે વિદ્યાર્થીઓ દિલ્હીથી લઈને પટના અને દેશના અન્ય વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ સતત શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી રહ્યા હતા. જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન અને દેશભરમાં ઉઠેલા વિરોધના અવાજ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. આ ઘટનાને શિક્ષણ ક્ષેત્ર અને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે.

CJPએ આંદોલન ખતમ કરવાની કરી જાહેરાત 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. કોન્સ્ટીટ્યુશનલ ક્લબમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે CJPના સૌરવ દાસ અને આશુતોષ રાંકા વચ્ચે ચર્ચા થઈ. બેઠક બાદ CJPએ જંતર-મંતર પર ચાલી રહેલા ધરણા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. CJPના સૌરવ દાસે જણાવ્યું કે સરકાર દ્વારા તેમની માગણીઓ સ્વીકારવામાં આવી છે. તેમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પૂરી થઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા તમામ FIR પરત ખેંચવાની માગ પણ સ્વીકારવામાં આવી છે.