આ ઘટના બાદથી જ શ્રદ્ધા દુબે પોતાનું લોકેશન બદલીને ધરપકડથી બચવા મથામણ કરી રહી હતી.
શ્રદ્ધા દુબેની ધરપકડ
દેશભરમાં ચર્ચા જગાવનારા ચર્ચિત શિવા શર્મા હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. કેસની મુખ્ય આરોપી અને સોશિયલ મીડિયા મોડેલ શ્રદ્ધા દુબેની મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી પોલીસે અટકાયત કરીને કાયદેસરની ધરપકડ કરી લીધી છે. શિવા શર્માના મોત બાદથી જ શ્રદ્ધા દુબે સતત ફરાર હતી અને તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. આ કેસમાં હજુ બે આરોપી ફરાર છે.
વિવિધ લોકેશન બદલ્યા શ્રદ્ધાએ
શ્રદ્ધા દુબે પોલીસથી બચવા માટે તે અલગ-અલગ શહેરોમાં આશરો લઈ રહી હતી. તપાસ દરમિયાન મહારાષ્ટ્રના નાગપુરમાં તેના છુપાવાના ચોક્કસ સમાચાર મળતાની સાથે જ પોલીસે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. ઘટના બન્યા બાદ ફરાર મોડેલ શ્રદ્ધા દુબેએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને પોતાને નિર્દોષ ગણાવી હતી. તેણે દાવો કર્યો હતો કે શિવા શર્માનું મોત હત્યા નથી પરંતુ આત્મહત્યા છે અને તે ટૂંક સમયમાં જ પોલીસ સમક્ષ હાજર થશે.
પોલીસની કાર્યવાહી વધુ તેજ બની
જોકે, બીજી તરફ કાયદાકીય શિકંજો કસાતાં અદાલતે શ્રદ્ધા દુબે સહિત અન્ય આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું. આ સિવાય તેના પર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, શિવા શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર ગંભીર ઈજાના નિશાનો મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે આ મામલો શંકાસ્પદ અને ગંભીર ગુનાહિત કાવતરાનો છે. હાલમાં નાગપુર પોલીસ અને તપાસ ટીમે શ્રદ્ધા દુબેને તાબામાં લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે.
તમામ રહસ્યો પરથી પરદો ઊંચકાય તેવી શક્યતા
શ્રદ્ધા દુબેને ટ્રાન્સિટ રિમાન્ડ પર ઘટનાસ્થળે લાવવામાં આવશે. શ્રદ્ધા દુબેની ધરપકડ બાદ હવે આ હાઈપ્રોફાઈલ હત્યાકાંડ પાછળના મુખ્ય કારણો, નાણાકીય લેવડ-દેવડ કે પછી અંગત અદાવત સહિતના તમામ રહસ્યો પરથી પરદો ઊંચકાય તેવી શક્યતા છે. પોલીસે આ કેસમાં સંકળાયેલા અન્ય સહ-આરોપીઓને ઝડપી પાડવા માટે દરોડાની કામગીરી વધુ ઝડપી બનાવી દીધી છે.
આ પણ વાંચોઃ યુએસ કોંગ્રેસ વુમન Ilhan Omarએ કર્યા છે ભાઈ સાથે લગ્ન, જાણો શું છે DNA તપાસ અને દાવા?
