પશ્ચિમ બંગાળનું નામ બદલવાની દિશામાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે હવે રાજ્યનું નવું નામ ‘પશ્ચિમ બંગ’ રાખવામાં આવશે. અંગ્રેજીમાં પણ રાજ્યનું નામ ‘Paschim Banga’ લખવામાં આવશે. આ નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

9 ડિસેમ્બરે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરાશે


મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું કે 9 ડિસેમ્બરે વિધાનસભામાં રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. વિધાનસભામાં પ્રસ્તાવ પસાર થયા બાદ તેને ભારત સરકાર પાસે મોકલવામાં આવશે. ત્યારબાદ આ પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવામાં આવશે. 


ભાજપના પ્રદેશ અધ્યક્ષે પણ આપ્યા હતા સંકેત


આ પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યએ પણ રાજ્યનું નામ બદલીને ‘પશ્ચિમ બંગ’ કરવામાં આવી શકે તેવા સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે ટૂંક સમયમાં વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

મમતા બેનર્જી સરકાર પણ લાવી હતી પ્રસ્તાવ


પશ્ચિમ બંગાળનું નામ બદલવાનો મુદ્દો અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે. મમતા બેનર્જી મુખ્યમંત્રી હતાં ત્યારે તેમની સરકારે રાજ્યનું નામ બદલીને ‘બાંગ્લા’ રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ વિધાનસભામાં પસાર કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેને મંજૂરી મળી નહોતી.

અંગ્રેજી વર્ણમાળાના ક્રમને લઈને નામ બદલવાની ચર્ચા


પશ્ચિમ બંગાળને અંગ્રેજીમાં ‘West Bengal’ લખવામાં આવે છે. નામનો પ્રથમ અક્ષર ‘W’ હોવાથી અંગ્રેજી વર્ણમાળાના ક્રમ પ્રમાણે તૈયાર થતી યાદીઓમાં રાજ્યનું નામ છેલ્લે આવે છે. આ બાબતને કારણે વહીવટી મુશ્કેલીઓ ઊભી થતી હોવાની ચિંતા અગાઉ પણ વ્યક્ત કરવામાં આવી હતી.

સરકારે ‘પશ્ચિમ બંગ’ નામ નક્કી કર્યું 


આ જ કારણોસર મમતા બેનર્જી સરકાર રાજ્યનું નામ ‘બાંગ્લા’ કરવા માગતી હતી. હવે શુભેન્દુ અધિકારીની સરકારે ‘પશ્ચિમ બંગ’ નામ નક્કી કર્યું છે, જે અંગ્રેજીમાં ‘P’ અક્ષરથી શરૂ થશે.


નવા નામને કેબિનેટની મંજૂરી આપવામાં આવી


સોમવારે નવાન્નમાં યોજાયેલી બેઠકમાં નવા નામને કેબિનેટની મંજૂરી આપવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ નિર્ણયની જાણકારી આપી હતી.