- 403 બેઠકો પર 4442 ઉમેદવારો મેદાનમાં
- યોગી આદિત્યનાથ જીતી ગયા
- બુલડોઝર રેલીઓનું થયુ આયોજન
UP Election Result 2022 : કાનપુરના મેયર પ્રેમિલા પાંડેએ ભાજપ( BJP )ની જીતની ઉજવણી માટે બુલડોઝર ( bulldozer is back )પર શક્તિપ્રદર્શન કર્યુ હતુ. યોગી આદિત્યનાથ ( Yogi Adityanath ) જંગી મતોથી જીતી ગયા છે. ત્યારે ભાજપે પોતાની ઉજવણીની શરૂઆત કરી દીધી છે.
ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાયેલો મુદ્દો કોઈ હોય તો એ બુલડોઝર. ઉત્તરપ્રદેશમાં વિકાસ અને કાયદા-વ્યવસ્થાનું પ્રતીક બુલડોઝર ક્યારે બની ગયું એનો અણસાર પણ કોઈને ન આવ્યો. જેમ જેમ રેલીઓ યોજાતી રહી તેમ તેમ યુપી કી મજબૂરી હૈ… બુલડોઝર જરૂરી હૈ… ના નારા વધવા લાગ્યા. જનતાનો આ મૂડ જોઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રેલીઓમાં બુલડોઝરનો ઉલ્લેખ કરીને બૂસ્ટર ડોઝ આપતા રહ્યા. તો સામે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પણ મુદ્દાને રાજકીય રંગ આપવા જતાં યોગીને બુલડોઝર બાબાનું ઉપનામ પણ મીડિયાના હવાલાથી આપી દીધું.
આફતને અવસરમાં પલટવામાં માહેર એવા ભાજપે પછી તો પાછળ વળીને જોયું પણ નહીં ને ઠેર ઠેર બુલડોઝર ફેરવવા લાગ્યા. પ્રચારમાં કેન્દ્રીય મંત્રી હોય કે સાંસદ હોય, બુલડોઝર તો અવશ્ય જોવા મળતું. આદિત્યનાથની બુલડોઝર બાબાવાળી ઈમેજ ધીરે ધીરે માફિયારાજને નેસ્તોનાબૂદ કરનાર તરીકે ઊભરવા લાગી.
હવે જ્યારે આજે ઉત્તરપ્રદેશની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે ને જનતાએ બાબાના બુલડોઝરવાળા અંદાજ પર મહોર મારી છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ બુલડોઝર ઈઝ બેક હેશટેગથી યુઝર્સ પણ અવનવા મિમ્સ, ફોટોઝ અને વીડિયોઝ શેર કરી રહ્યા છે. આમ, યુપીના બાહુબલીઓ અને ગેંગસ્ટરોની સંપત્તિ પર જે રીતે કાયદાનું બુલડોઝર ફેરવી દીધું તેમ હવે યોગીની બુલડોઝર બાબાવાળી ઈમેજ પણ ગેમ ચેન્જર સાબિત થઈ ગઈ છે.