• વિશ્વ આરોગ્ય સંગઠને નિદાન અને ઉપચારની સુવિધા વધારવા ટકોર કરી

  • હિપેટાઇટિસને કારણે યકૃતને નુકસાન પહોંચે છે
  •  દર વર્ષે 10 લાખ લોકોનો ભોગ લે છે

વિશ્વ આરોગ્ય સંગઠને વાયરલ હિપેટાઇટિસના નિદાન અને સારવારની સુવિધા વધારવા ટકોર કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે પરિસ્થિતિ આ જ રહી તો વર્ષ 2040 સુધીમાં જેટલા મૃત્યુ મેલેરિયા, ટીબી, એચઆઇવીને કારણે થાય છે તેનાથી વધુ મૃત્યુ માત્ર હિપેટાઇટિસને કારણે થઇ શકે છે. સંગઠને તે માટે એક જીવન, એક યકૃત અભિયાનની શરૂઆત કરી છે.

વાયરલ હિપેટાઇટિસ પર નિયંત્રણ મેળવવાને મુદ્દે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 28 જુલાઇના રોજ હિપેટાઇટિસ દિવસની ઉજવણી થતી હોય છે. હિપેટાઇટિસને કારણે યકૃતને નુકસાન પહોંચે છે. તેને કારણે દર વર્ષે 10 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. હિપેટાઇટિસ સંક્રમણ પાંચ પ્રકારના હોય છે. તે પૈકી હિપેટાઇટિસ 'બી' અને 'સી'ને કારણે સૌથી વધુ મૃત્યુ થાય છે. હિપેટાઇટિસ 'સી'માંથી સારવાર થકી સાજા થઇ શકાય છે. પરંતુ માત્ર 21 ટકા લોકો જ તેનું નિદાન કરાવી શકે છે તો માત્ર 13 ટકા લોકો તેની સારવાર મેળવી શકે છે. એ જ રીતે હિપેટાઇટિસ 'બી'ના કિસ્સામાં પણ 10 ટકા દર્દી જ નિદાન કરાવી શકે છે અને માત્ર બે ટકા લોકાને જ જીવનરક્ષક દવાઓ ઉપલબ્ધ રહે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ડો.ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે કહ્યું હતું કે,'વિશ્વભરના લાખો લોકો નિદાન અને સારવારના અભાવને કારણે હિપેટાઇટિસ સાથે જીવી રહ્યા છે. જોકે હવે આપણે તેના નિદાન અને સારવારના બહેતર વિકલ્પ ધરાવતા થયા છીએ.'

હિપેટાઇટિસ એક એવી બીમારી છે કે જેને કારણે યકૃત પર સોદો લાવે છે અને તેને નુકસાન પહોંચાડે છે. જો અ બીમારીનો ઉપચાર કરવામાં નથી આવતો તો યકૃત કેન્સરનો ખતરો રહે છે કે જે ઘાતક બની શકે છે.


  • Follow us on: