• વડાપ્રધાન ટૂંકમાં વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરશે

  • નીતિ આયોગને ભારતના યુવાનો તરફ્થી 10 લાખથી વધુ સૂચનો મળ્યા છે
  • નીતિ આયોગ દ્વારા આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર ગણાતા દેશના અગ્રણી શહેરો માટે વિશેષ રીતે આર્થિક યોજના તૈયાર કરાવાશે

2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પીએમ મોદીના લક્ષ્યને પૂર્ણ કરવા માટે નીતિ આયોગે એક નવી વ્યૂહરચના તૈયાર કરી છે. આ માટે નીતિ આયોગ દેશના વિવિધ શહેરોની અર્થવ્યવસ્થાને સુધારવા માટે એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. શરૂઆતમાં મુંબઈ, સુરત, વારાણસી અને વિઝાગના આર્થિક પરિવર્તન માટે તૈયાર કરાયેલી યોજના પર કામ કરવામાં આવશે. આ પછી નીતિ આયોગ દેશના આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રો ગણાતા 20થી 25 શહેરો માટે આર્થિક યોજનાઓ પણ તૈયાર કરશે. આ શહેરો 2047 સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવામાં મદદ કરવા માટે સૌથી વધુ મદદરૂપ સાબિત થઈ શકે તે માટે આ પ્રકારનું આયોજન કરાયું છે. ગુજરાતમાં સુરત રાજ્યની આર્થિક રાજધાની ગણાય છે, આથી તેની પસંદગી કરવામાં આવી છે.

વડાપ્રધાન ટૂંકમાં વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરશે

અગાઉ શહેરી યોજનાઓ માત્ર શહેરો પૂરતી જ હતી, પરંતુ હવે શહેરોના આર્થિક આયોજન પર પણ કામ કરવું ખૂબ જ જરૂરી છે. આ જ કારણ છે કે નીતિ આયોગે શરૂઆતમાં 4 શહેરો માટે આર્થિક યોજનાઓ તૈયાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આ વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે સુરતે ટૂંકા ગાળામાં અપ્રતિમ વિકાસ નોંધાવ્યો છે.

10 લાખ યુવાનોએ સૂચનો આપ્યાં હતાં

વિઝન ડોક્યુમેન્ટ બનાવતા પહેલા 11 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે દેશના યુવાનો પાસેથી સૂચનો માંગ્યા હતા. અત્યાર સુધીમાં, નીતિ આયોગને ભારતના યુવાનો તરફ્થી 10 લાખથી વધુ સૂચનો મળ્યા છે. આયોગ આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આના પર કામ કરી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં અનોખું આયોજન

ગયા વર્ષે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેએ નીતિ આયોગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનની જીડીપી એટલે કે સ્સ્ઇને 2030 સુધીમાં 300 બિલિયન ડૉલર સુધી લઈ જવા માટે જરૂરી પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. 6328 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા સ્સ્ઇમાં બૃહદ મુંબઈ, થાણે, નવી મુંબઈ, પનવેલ સહિત 9 મ્યુ.કોર્પો.નો સમાવેશ થાય છે.


  • Follow us on: