• ભારતમાં જન્મદર ઘટીને રિપ્લેસમેન્ટ લેવલ કરતાં પણ નીચા સ્થાને પહોંચી ગયો

  • વર્ષ 2021માં ભારતનો કુલ જન્મદર ઘટીને 1.91 પર પહોંચી ગયો
  • 2100 સુધીમાં સંકટ ઘેરું બની જશે

દેશમાં હવે હમ દો હમારે દોનું ચલણ પણ ઝડપથી ઘટી રહ્યું છે. તેની જગ્યાએ એક મોટી સંખ્યા એવા લોકોની છે જેઓ એક જ સંતાન ઇચ્છે છે. તેના કારણે ભારતમાં 2050 સુધીમાં જન્મદરમાં પડતી જોવા મળશે. લાન્સેટના એક રિપોર્ટમાં આ ચેતવણી આપવામાં આવી છે. ભારતમાં કુલ જન્મદર 1950માં 6.18 હતો જે 1980માં ઘટીને 4.6 થઇ ગયો હતો. એટલું જ નહીં 2021માં તે ઝડપથી ઘટીને 1.91 પર આવીને અટકી ગયો છે. જે રિપ્લેસમેન્ટ લેવલ કરતા પણ ઓછો છે. વસતી વિજ્ઞાનીઓના અનુસાર રિપ્લેસમેન્ટ લેવલ માટે જન્મદર ઓછામાં ઓછો 2.1 હોવો જોઇએ. તેવામાં આ મોટા સંકટના એંધાણ છે. તેનાથી વસતી એક ઝાટકે ઓછી નહીં થાય, પરંતુ તેમાં યુવાનોનું પ્રમાણ ઘટતું જશે. 2100 સુધીમાં આ સંકટ વધુ ઘેરું બની જશે.

એક્સ્પટ્ર્સનું શું માનવું છે?

એક્સ્પટ્ર્સનું માનવું છે કે ઓછા બાળકો પેદા કરવાનું એક કારણ એ પણ છે કે દેશના વિકાસની સાથે જ લોકોની આકાંક્ષાઓ પણ વધી છે. લોકો બાળકો પર ખૂબ ખર્ચ કરી રહ્યા છે. તેવામાં વધારે સંતાનો થવા પર ખર્ચ પણ વધી જશે. તેનાથી બચવા માટે લોકો ઓછા બાળકોને મહત્ત્વ આપી રહ્યા છે. તે ઉપરાંત મહિલાઓ મોટા પાયે શિક્ષિત હોવાને કારણે અને તેઓ પોતાની કેરિયર પર વધારે ફોકસ કરી રહી હોવાથી પણ બાળકોના જન્મની સંભાવનાઓ પર અસર પડી છે. મોડા લગ્ન પણ એક કારણ છે.

ભારત સામે મોટો પડકાર

લાન્સેટનો આ રિપોર્ટ સાચો સાબિત થાય તો આવનારા દાયકાઓમાં ભારત સામે મોટો પડકાર ઊભો થશે. જન્મદરમાં તેજીથી કમી આવશે તો વર્કફોર્સમાં પણ કમીની સ્થિતિ સર્જાશે અને અર્થતંત્રને પણ તેનાથી આંચકો લાગશે. તે ઉપરાંત યુવાઓ કરતા વધારે વસતી વૃદ્ધોની થઇ જશે, જેમની સારસંભાળ રાખવી પણ એક મોટો પડકાર રહેશે. આરોગ્ય સેવાઓ પર પણ બોજ પડશે.


  • Follow us on: