- નાદિયા અને ઉત્તર 24 પરગણાની પાંચ, ઉત્તર ભાગની 2-3 સીટો પર અસર જોવા મળી શકે
- ચૂંટણી પહેલાં આ સીટો પર તૃણમૂલ કોંગ્રેસ ભાજપની રણનીતિ બાબતે સાવધ છે
- રાજ્યની સત્તાધારી પાર્ટી ટીએમસીની ચિંતામાં વધારો થયો છે
પશ્ચિમ બંગાળની છથી આઠ લોકસભા સીટો પર નાગરિકતા સુધારણા કાયદો (સીએએ) મહત્ત્વની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. ચૂંટણી પહેલાં આ સીટો પર તૃણમૂલ કોંગ્રેસ ભાજપની રણનીતિ બાબતે સાવધ છે. જાણકારોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળની ઓછામાં ઓછી આઠ લોકસભા સીટો પર તેની અસર પડવાની સંભાવના છે. આ બાબતને લઈને રાજ્યની સત્તાધારી પાર્ટી ટીએમસીની ચિંતામાં વધારો થયો છે. એવું મનાઈ રહ્યું છે કે બંગાળમાં નાદિયા અને ઉત્તર 24 પરગણા જિલ્લાની ઓછામાં ઓછી પાંચ સીટો સીએએના નિર્ણયથી પ્રભાવિત થશે. જ્યારે રાજ્યના ઉત્તર ભાગની બેથી ત્રણ સીટો પર પણ રાજકીય-ચૂંટણીની અસર જોવા મળશે. દક્ષિણ બંગાળમાં મતુઆ અને ઉત્તર બંગાળમાં રાજબંશી અને નામશુદ્ર મહત્ત્વના છે. જો સીએએ લાગુ કરાયો ન હોત, તો અહીં ભાજપને નુકસાન થઈ શકતું હતું. અહીં મતુઆ, રાજબંશી, નામશુદ્ર નાગરિકતા ઇચ્છે છે. મતુઆ સમુદાય એક હિન્દુ શરણાર્થી સમૂહ છે, જે ભાગલા વખતે અને ત્યાર બાદનાં વર્ષોમાં ભારત આવ્યા હતા. આ સમુદાયની સંખ્યાનું ઘણું મહત્ત્વ છે. દક્ષિણ બંગાળમાં ઓછામાં ઓછાં પાંચ લોકસભા ક્ષેત્રોમાં તેમની હાજરી માટે જાણીતાં છે. રાજબંશી અને નામશુદ્ર સંખ્યાની રીતે નાના સમૂહ છે. જેમાં આંશિક રીતે બાંગ્લાદેશમાંથી આવેલા હિંદુ શરણાર્થી સામેલ છે. તેઓ ગઈ વખતની ચૂંટણીમાં ભાજપ સાથે હતા. તેઓ જલપાઈગુડી, કૂચબિહાર, અને બાલૂરઘાટ ચૂંટણીક્ષેત્રોમાં રહે છે.










