• જાણો પુરુષોની સરખામણીમાં કેવું રહ્યું મહિલાની મતદાનમાં ભાગીદારી?
  • 2013માં ભાજપે 200 માંથી 165 બેઠકો જીતીને મેળવી હતી ભવ્ય જીત 
  • 2018ની ચૂંટણીમાં વિજેતા પક્ષ કોંગ્રેસને ફાળે ગઈ હતી 99 બેઠકો 

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે પ્રચારનો અંતિમ દિવસ હતો. એવામાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ છેલ્લા દિવસ સુધી પૂરી શક્તિ સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. અશોક ગેહલોત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા દિવસે રાજસ્થાનમાં રેલીઓ અને જાહેર સભા સંબોધીને પોતાના પક્ષ માટે લોકોને રિઝવતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ મતદાન થનાર છે અને 3 ડિસેમ્બરે રાજસ્થાન સહિત તમામ 5 રાજ્યોમાં યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર થશે.

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. શનિવારે 25 નવેમ્બરના રોજ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી કરાવવામાં આવશે. શ્રીગંગાનગર જિલ્લાની શ્રીકરણપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરનું નિધન થતાં આ બેઠક પર ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી છે.

આ દરમિયાન ચૂંટણી પંચ અન્ય રાજ્યોની જેમ રાજસ્થાનમાં પણ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે, જેથી રાજ્યમાં સો ટકા મતદાન થઈ શકે. જ્યાં, વૃદ્ધો માટે વોટ ફ્રોમ હોમની સુવિધા શરૂ કરવામાં આવી છે, તો દિવ્યાંગો માટે મતદાન સરળ બની શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવામાં એ જાણવું પણ રસપ્રદ બની રહેશે કે રાજસ્થાનમાં આ વખતે કેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં કેટલા ટકા મતદાન થયું હતું? કઈ પાર્ટીને કેટલા મત મળ્યા હતા? મહિલા મતદારોની ભાગીદારી કેવી રહી હતી?

રાજસ્થાનમાં આ વખતે કેટલા મતદારો?

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં રાજ્યમાં કુલ 5.29 કરોડ મતદારો નોંધાયા છે. તેમાંથી 2.74 કરોડ પુરુષ મતદારો અને 2.53 કરોડ મહિલા મતદારોની સમાવેશ થાય છે. 624 મતદારો થર્ડ જેન્ડર છે, તો 18-19 વર્ષના કુલ 22.71 લાખ મતદારો આ વખતની ચૂંટણીમાં પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરશે.

2018ની ચૂંટણીના આંકડા કેવા રહ્યા?

રાજસ્થાન વિધાનસભા માટે 7 ડિસેમ્બર 2018ના રોજ ચૂંટણી યોજાઇ હતી. જ્યારે 11 ડિસેમ્બર 2018ના રોજ તેના પરિણામો જાહેર થયા હતા. અલવરની રામગઢ બેઠકને બાદ કરતાં તમામ 199 બેઠકો પર મતદાન યોજાયું હતું. રામગઢ બેઠક પર બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર લક્ષ્મણ સિંહનું નિધન થઈ જતાં ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને પછાડીને 99 બેઠકો જીતી લીધી હતી. તો ભાજપના ખાતામાં 73 બેઠકો, માયાવતીની પાર્ટી બસપાને 6 અને અન્યને ખાતામાં 20 બેઠકો આવી હતી.

ગત વખતના મતદાનની ટકાવારીના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં 74.06% લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 73.49% પુરુષો અને 74.67% મહિલાઓએ મતદાન કર્યું હતું. જો પક્ષ મુજબના આંકડાઓ પર નજર કરીએ તો, 2018માં સત્તામાં પરત આવનાર કોંગ્રેસને 39.30 % લોકોએ મત આપ્યા હતા. જ્યારે 38.77% લોકોએ ભાજપ તરફી મતદાન કર્યું હતું.

2013માં કેવું રહ્યું મતદાતાઓનું વલણ?

રાજસ્થાનમાં 13 ડિસેમ્બર 2013ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જોકે, ચુરુ વિધાનસભા બેઠક પર બસપાના ઉમેદવાર જગદીશ મેઘવાલનું હાર્ટ એટેકના કારણે અવસાન થતાં આ બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. 2013ની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં 75.04% લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 75.44% પુરુષો અને 74.67% મહિલાઓ મતદાન કર્યું હતું. જ્યારે ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે 163 બેઠકો એકલા ભાજપના ખાતામાં ગઈ હતી. આ રીતે, સમગ્ર રાજ્યમાં પાર્ટી માટે મતદાનની ટકાવારી 45.17% હતી.

બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસને માત્ર 21 બેઠકો મેળવવામાં સફળ રહી હતી. દેશની સૌથી જૂની પાર્ટી માટે 2013માં માત્ર 33.07 ટકા લોકોએ જ મતદાન કર્યું હતું. ટીકાર્બાદ 3.37 ટકા વોટ શેરની સાથે માયાવતીની પાર્ટી બસપા રહી હતી જેને ત્રણ બેઠકો જીતી હતી. બાકીની 10 બેઠકો અપક્ષ અને અન્યના ખાતામાં ગઈ હતી.

2008માં કોના પક્ષમાં થયું હતું મતદાન?

4 ડિસેમ્બર 2008ના રોજ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેની પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને સત્તા પરથી ઉતરતા 96 બેઠકો જીતી લીધી હતી. તો ભાજપે 78 બેઠકો, બસપાને 6 અને અન્યના ખાતામાં 20 બેઠકો ગઈ હતી.

આ ચૂંટણીમાં વોટ શેરિંગના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં 66.25 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 67.10 ટકા પુરુષ અને 65.31 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. કયા પક્ષને કેટલા ટકા મત મળ્યા તેના આંકડા પર નજર કરીએ તો કોંગ્રેસના પક્ષમાં 36.82 ટકા મત પડ્યા હતા. તો ભાજપ માટે 34.27 ટકા લોકોએ મતદાન કર્યું હતું.


  • Follow us on: