- સંદેશખાલી મામલે સીબીઆઇ એક્શન મોડમાં
- સંદેશખાલીમાં અનેક સ્થળે CBIના દરોડા
- ઇમેઇલ દ્વારા મળી હતી 50 ફરિયાદ
સંદેશખાલી કેસ મામલે CBI એક્શન મોડમાં આવી ગઇ છે. CBIને સંદેશખાલીમાં મહિલાઓની સતામણી અને જમીન પચાવી પાડવા અંગે મેઈલ દ્વારા 50 ફરિયાદો મળી હતી. તે ફરિયાદોના આધારે CBIએ 5 લોકો સામે FIR નોંધી ચૂકી છે ત્યારે હવે આજે સીબીઆઇ દ્વારા સંદેશખાલીના વિવિધ સ્થળ પર રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન હથિયારો મળી આવ્યા છે.
ઇ મેઇલ દ્વારા મળી હતી ફરિયાદો
આ પહેલા સીબીઆઈએ સંદેશખાલી કેસમાં પ્રથમ એફઆઈઆર નોંધી હતી. સીબીઆઈએ ઈમેલ દ્વારા ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી હતી. આ FIRમાં પાંચ લોકોના નામ છે જ્યારે બાકીના અજાણ્યા લોકો છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈની 10 સભ્યોની ટીમે ગયા અઠવાડિયે સંદેશખાલીની મુલાકાત લીધી હતી. ટીમે પીડિત પરિવારો અને મહિલાઓ સાથે વાત કરી અને તેમના નિવેદનો નોંધ્યા હતા. આ સાથે CBIની એક ટીમ પણ સંદેશખાલી પોલીસ સ્ટેશન પહોંચી, જ્યાં હાજર પોલીસકર્મીઓ પાસેથી તપાસ રિપોર્ટ માંગવામાં આવ્યો.
શું છે સંદેશખાલીનો કેસ ?
કોલકાતાથી 100 કિલોમીટર દૂર સુંદરવનના સરહદી વિસ્તારમાં આવેલા સંદેશખાલીમાં છેલ્લા એક વર્ષથી હિંસા ચાલી રહી છે. આ ગામની મહિલાઓએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે ટીએમસી નેતા શાહજહાં શેખ અને અન્ય ટીએમસી નેતાઓએ તેમની જમીનો કબજે કરી લીધી છે અને કેટલીક મહિલાઓએ ટીએમસી નેતાઓ પર યૌન શોષણનો આરોપ પણ લગાવ્યો હતો. આ અંગે સંદેશખાલીમાં મહિલાઓએ વિરોધ કર્યો હતો. સંદેશખાલીમાં પણ ભાજપના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. શાહજહાં શેખ રાશન કૌભાંડનો આરોપી છે અને શાહજહાં શેખ તાજેતરમાં ED ટીમ પર થયેલા હુમલામાં પણ આરોપી છે.
શાહજહાં શેખ પર આ પણ આરોપ
પશ્ચિમ બંગાળમાં રાશન વિતરણમાં આશરે રૂ. 10 હજાર કરોડના ભ્રષ્ટાચારના કેસમાં જ્યારે EDની ટીમ 5 જાન્યુઆરીએ શાહજહાં શેખના નિવાસસ્થાને દરોડા પાડવા માટે પહોંચી ત્યારે તેના સાગરિતોએ ત્યાં ED અધિકારીઓ પર હુમલો કર્યો હતો. 200 થી વધુ સ્થાનિક લોકોએ અધિકારીઓ અને તેમની સાથે આવેલા અર્ધલશ્કરી દળોના વાહનોને ઘેરી લીધા હતા. ટોળાએ અધિકારીઓના વાહનોની પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં EDના ત્રણ અધિકારી રાજકુમાર રામ, સોમનાથ દત્ત અને અંકુર ગુપ્તા ઘાયલ થયા હતા.









