- એમેઝોન અને માઈક્રોસોફ્ટની ફરિયાદને આધારે એફઆઈઆર કરાઈ
- કૉલ સેન્ટર દ્વારા કંપનીઓને સપોર્ટ આપવાના બહાને વિદેશી નાગરિકો ટાર્ગેટ
- ભારતીય નાગરિક દ્વારા ક્રિપ્ટો કરન્સી મારફતે રૂ. 100 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું
ઈન્ટરનેશનલ સાઇબર ફ્રોડનાં કેસમાં CBI દ્વારા દેશનાં 11 રાજ્યોમાં 76 સ્થળે સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈએ તેને ઓપરેશન ચક્ર-2 એવું નામ આપ્યું છે. સાઇબર ક્રાઈમ આચરીને નાણાકીય ફ્રોડ કરનાર લોકો સામે પાંચ અલગ કેસ પણ કરાયા છે. એમેઝોન તેમજ માઈક્રોસોફ્ટની ફરિયાદને આધારે FIR કરવામાં આવી હતી. સાઇબર ક્રાઈમ આચરનાર અધિકારીઓની ધરપકડ કરાઈ હતી. સીબીઆઈને FIU, FBI, ઈન્ટરપોલ તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મળેલી બાતમીને આધારે પગલાં લેવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, હિમાચલપ્રદેશ, હરિયાણા, કેરળ, તામિલનાડુ, પંજાબ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ સહિત 11 રાજ્યોમાં દરોડાની કામગીરી કરાઈ હતી. સાઇબર ક્રાઈમ આચરનારાઓ ફરતે ગાળિયો કસવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. આરોપીઓ પોતાને કંપનીઓનાં કેર ટેકર ઓફિસર ગણાવીને વિદેશી નાગરિકો સાથે કૌભાંડ આચરતા હતા. CBIએ ઓક્ટોબર 2022માં 100 સાઇબર ક્રાઈમ આચરનારાઓ પર દરોડા પાડયા હતા જેને ઓપરેશન ચક્ર-1 નામ આપવામાં આવ્યું હતું.
ક્રિપ્ટો કરન્સી દ્વારા રૂ. 100 કરોડની ઉચાપત
એક કેસ ભારતીય નાગરિક દ્વારા ક્રિપ્ટો કરન્સી મારફતે રૂ. 100 કરોડનું કૌભાંડ આચરવાને લગતો હતો. ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (FIU) દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. એમેઝોન તેમજ માઈક્રોસોફ્ટ દ્વારા કેટલીક બાતમી મળી હતી જેને આધારે બે કેસ કરાયા હતા જેમાં કૉલ સેન્ટર દ્વારા કંપનીઓને ટેકનિકલ સપોર્ટ આપવાનાં બહાને વિદેશી નાગરિકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. અન્ય બે કેસમાં તપાસ ચાલી રહી છે તેથી તેની વિગતો જાહેર કરાઈ ન હતી. સીબીઆઈ દ્વારા આરોપીઓને પકડીને કડક પગલાં લેવાશે. સીબીઆઈ હવે ઈન્ટરનેશનલ આરોપીઓ સામે કડક પગલાં લઈને આવા કૌભાંડો ફરી આચરવામાં ન આવે તેવા પગલાં લેશે.
અનેક બેન્ક ખાતાં ફ્રીઝ કરવામાં આવ્યા
સીબીઆઈ દ્વારા દરોડા અને તપાસ દરમિયાન 32 મોબાઈલ ફોન, 48 લેપટોપ, બે સર્વરની તસવીર, 33 સીમ કાર્ડ તેમજ પેન ડ્રાઈવ જપ્ત કરાયા હતા. કેટલાક બેન્ક ખાતા ફ્રીઝ કરાયા હતા. 15 ઈ-મેલ ખાતાની વિગતો જપ્ત કરાઈ હતી. આરોપીઓ લોકો સાથે કેવી રીતે ઠગાઈ કરતા હતા તેની વિગતો જાણવા મળી હતી.
આરોપીઓ દ્વારા પાંચ રાજ્યોમાં કૉલ સેન્ટર દ્વારા ઠગાઈ
ઓપરેશન ચક્ર-2 હેઠળનાં કેટલાક કેસમાં ઈન્ટરનેશનલ ટેક સપોર્ટ ફ્રોડનાં કૌભાંડનાં બે કેસ પ્રકાશમાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા 5 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 9 કૉલ સેન્ટર ચલાવવામાં આવતા હતા. ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવા આરોપીઓ વિદેશી નાગરિકો સાથે ઠગાઈ આચરતા હતા. સીબીઆઈનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતમાં સંગઠિત સાઇબર ક્રાઈમ અને નાણાકીય ઠગાઈનાં કેસોને શોધી શોધીને નાબૂદ કરવા પગલાં લેવાઈ રહ્યા છે. આ ઓપરેશનમાં ખાનગી ક્ષેત્રનાં દિગ્ગજો સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની મદદ લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સરકારી એજન્સીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સાઈબર ફ્રોડ મુદ્દે કાર્યવાહી કરાતી રહી છે. ભારતથી વિદેશી નાગરિકોને છેતરવા માટે ચલાવાતા કોલ સેન્ટરો પર પોલીસ સહિતની એજન્સીઓ સતત કાર્યવાહી કરતી રહી છે.