- પટના હાઈકોર્ટે 1 ઓગસ્ટના રોજ બિહાર સરકારને આપી હતી મંજૂરી
- પટના હાઈકોર્ટના નિર્ણય સામે NGOએ દાખલ કરી અરજી
- વસ્તી ગણતરી કરાવવાનો રાજ્ય સરકારો પાસે નથી અધિકાર: કેન્દ્ર
જાતિ આધારિત વસ્તી ગણતરી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે વસ્તી ગણતરી કરાવવાનો અધિકાર રાજ્યો પાસે છે જ નહિ. આ પહેલા 21 ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ ભટ્ટીની કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો હતો. ત્યારબાદ 28 ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી.
અગાઉ કોર્ટમાં બિહાર સરકારે દલીલ કરી હતી કે રાજ્યમાં સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. તમામ ડેટા ઓનલાઈન પણ અપલોડ કરવામાં આવ્યા છે. ત્યારબાદ, અરજદાર વતી ડેટા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. હવે કોર્ટ આ મામલે સોમવારે ફરી સુનાવણી કરશે.
હાઈકોર્ટના નિર્ણય સામે NGOએ દાખલ કરી અરજી
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી વાદ સૂચિ અનુસાર, અદાલત હાઈકોર્ટના ચુકાદા સામે એનજીઓ "એક સોચ એક પ્રયાસ કી" દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. એનજીઓ ઉપરાંત હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી હતી. બિહારના નાલંદાના રહેવાસી અખિલેશ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માટે જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન બંધારણની જોગવાઈઓ વિરુદ્ધ છે. બંધારણની જોગવાઈઓ અનુસાર, વસ્તી ગણતરી કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકારને છે.
પટના હાઈકોર્ટે 1 ઓગસ્ટના રોજ બિહાર સરકારને આપી હતી મંજૂરી
વાસ્તવમાં, પટના હાઈકોર્ટે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ઉભા થયેલા પ્રશ્નોની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ પાર્થ સારથીની ડિવિઝન બેન્ચે સતત પાંચ દિવસ (3 જુલાઈથી 7 જુલાઈ સુધી) અરજદારો અને બિહાર સરકારની દલીલો સાંભળી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. આ પછી 1 ઓગસ્ટના રોજ પટના હાઈકોર્ટે સીએમ નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી હતી. પટના હાઈકોર્ટે વસ્તી ગણતરીને સર્વેની જેમ કરવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ, બિહાર સરકારે બાકીના વિસ્તારોમાં ફરીથી ગણતરીનું કામ શરૂ કર્યું. બિહાર સરકારના જણાવ્યા અનુસાર, જાતિ આધારિત ગણતરીનું કામ પૂર્ણ થઈ ગયું છે.