• 1 જાન્યુઆરી 1966થી 25 માર્ચ 1971 દરમિયાનનો ડેટા આપવા આદેશ 
  • આસામમાં ગેરકાયદેસર અપ્રવાસીઓને લઈને મળેલ 17 અરજીઓ પર સુનાવણી
  • સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 11 ડિસેમ્બર સુધી સોગંદનામું દાખલ કરવા આદેશ 

આસામમાં ભારતીય નાગરિકતા મેળવનાર બાંગ્લાદેશી અપ્રવાસીઓને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ડેટા ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. ગુરુવારે ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જજની સંવિધાનીક ખંડપીઠે કેન્દ્ર સરકારને આ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ નિર્દેશ આસામમાં ગેરકાયદેસર અપ્રવાસીઓના સંબંધમાં નાગરિકતા અધિનિયમની કલમ 6એ ની બંધારણીય વૈધતાની તપાસ કરવા માટે 17 અરજીઓ પર સુનાવણી કરતાં આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટની સંવિધાનીક ખંડપીઠે આ અરજીઓ પર સુનાવણી કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી 1966થી 25 માર્ચ 1971 દરમિયાન આસામમાં ભારતીય નાગરિકતા મેળવનાર બાંગ્લાદેશી અપ્રવાસીઓની સંખ્યાનો ડેટા ઉપલબ્ધ કરાવે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને 11 ડિસેમ્બર સુધી સોગંદનામું દાખલ કરવા કહ્યું છે. તેની સાથે જ કોર્ટે રાજ્ય સરકારને ડેટા આપવા કહ્યું છે. જણાવી દઈએ કે ખંડપીઠમાં જજ સૂર્યકાંત, જજ એમ. એમ. સુંદરેશ, જજ જેબી પારડીવાળા અને જજ મનોજ મિશ્રા સામેલ હતા.

આ દરમિયાન, બેન્ચે કેન્દ્રને સમગ્ર દેશમાં, ખાસ કરીને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે જણાવવા કહ્યું છે. ખંડપીઠે કહ્યું કે અમારું માનવું છે કે કેન્દ્ર સરકાર માટે કોર્ટને ડેટા આધારિત ડિસ્ક્લોઝર પ્રદાન કરવું જરૂરી છે. અમે નિર્દેશ કરીએ છીએ કે આ અંગે સોગંદનામું આ કોર્ટમાં સોમવારે અથવા તે પહેલાં દાખલ કરવામાં આવે.


  • Follow us on: