• સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ 2024ને હોલ્ડ પર રાખવાનો નિર્ણય કર્યો
  • બિલનો નવો ડ્રાફ્ટ વ્યાપક ચર્ચા વિચારણા બાદ તૈયાર કરવામાં આવશે
  • સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવી માહિતી

કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ 2024ને હાલ માટે હોલ્ડ પર રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે આ બિલનો નવો ડ્રાફ્ટ વ્યાપક ચર્ચા વિચારણા બાદ તૈયાર કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રાલય (MIB)એ ગયા વર્ષે નવેમ્બરમાં નવા બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેશન બિલનો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ બિલના ડ્રાફ્ટ પર જાહેર ટિપ્પણી માટેની અંતિમ તારીખ 10 નવેમ્બર 2023 હતી. બિલનો બીજો ડ્રાફ્ટ આ વર્ષે જુલાઈમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે બિલનો સુધારેલ ડ્રાફ્ટ સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલા જ પસંદગીના હિસ્સેદારો વચ્ચે 'ગુપ્ત રીતે' લીક થઈ ગયો હતો. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને વ્યક્તિગત કન્ટેન્ટ ક્રિએટર્સ પણ આ બિલનો વિરોધ કરી રહ્યા હતા.

વિચાર-વિમર્શ બાદ બિલનો નવો ડ્રાફ્ટ રજુ કરાશે

સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે બ્રોડકાસ્ટિંગ સર્વિસ (રેગ્યુલેશન) બિલના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છીએ. આ બિલનો ડ્રાફ્ટ 10 નવેમ્બર 2023ના રોજ સાર્વજનિક ડોમેનમાં સ્ટેકહોલ્ડર્સ અને સામાન્ય જનતાની ટિપ્પણીઓ માટે મૂકવામાં આવ્યો હતો. અમને વિવિધ હિતધારકો તરફથી અસંખ્ય ભલામણો, ટિપ્પણીઓ અને સૂચનો પ્રાપ્ત થયા છે. મંત્રાલય બિલના ડ્રાફ્ટ પર હિતધારકો સાથે શ્રેણીબદ્ધ ચર્ચાઓ કરી રહ્યું છે. સૂચનો અને ટિપ્પણીઓ માટે 15 ઓક્ટોબર 2024 સુધી વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે. વિગતવાર વિચાર-વિમર્શ બાદ બિલનો નવો ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવશે.

સરકાર ડિજિટલ પ્લેટફોર્મ પર નજર રાખશે

બ્રોડકાસ્ટિંગ બિલના વર્તમાન ડ્રાફ્ટ અનુસાર, સરકાર યુટ્યુબ, એક્સ (ટ્વિટર), ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો જેવા ડિજિટલ અથવા ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત સામગ્રીને નિયંત્રિત કરવા જઈ રહી હતી. ડ્રાફ્ટની જોગવાઈઓ જણાવે છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર સમાચાર પ્રસારિત કરનારા પ્રકાશકોને 'ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ' તરીકે ઓળખવામાં આવશે. ડ્રાફ્ટમાં, ડિજિટલ બ્રોડકાસ્ટર્સ માટે નવી નિયમનકારી સંસ્થા 'બ્રૉડકાસ્ટિંગ ઑથોરિટી ઑફ ઈન્ડિયા' બનાવવાનો પ્રસ્તાવ હતો. આ ઉપરાંત, પ્રસારણ બિલના ડ્રાફ્ટમાં સ્વ-નિયમન માટે દ્વિ-સ્તરીય સિસ્ટમ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જો સ્વ-નિયમન માટે દ્વિ-સ્તરીય પ્રણાલીનું પાલન કરવામાં ન આવે તો સરકારના હસ્તક્ષેપ માટે ડ્રાફ્ટમાં જોગવાઈ હતી.

  • Follow us on: