- કેન્દ્ર જજિસની નિયુક્તિ માટે કોલેજિયમના ઠરાવમાંથી નામ પસંદ કરી શકે જ નહીં : સુપ્રીમ કોર્ટ
- કોલેજિયમના ઠરાવમાંથી નામ પસંદ કરીને જજિસની નિયુક્તિ કરવાની સિસ્ટમ બંધ થવી જોઈએ
- જજિસની નિયુક્તિ પસંદગીના ધોરણે કરવામાં આવશે તો યુવાન જજિસ બેન્ચમાં જોડાઈ શકશે જ નહીં
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોમાં જજિસની નિયુક્તિ માટે કેન્દ્ર સરકાર અને કોલેજિયમ વચ્ચેનો વિવાદ તેની ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે જજિસની નિયુક્તિ માટે કેન્દ્ર સરકાર દ્વારા અપનાવવામાં આવતી 'પીક એન્ડ ચૂઝ'ની નીતિ સામે તીખા તેવર વ્યક્ત કર્યા છે. જજિસની નિયુક્તિ માટે સરકાર દ્વારા અપનાવાતી 'પીક એન્ડ ચૂઝ'ની સિસ્ટમ અયોગ્ય હોવાનો મત વ્યક્ત કરાયો છે. કોલેજિયમનાં ઠરાવમાંથી નામ પસંદ કરીને જજિસની નિયુક્તિ કરવાની સિસ્ટમ બંધ થવી જોઈએ તેવી આક્રમક ટિપ્પણી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ સંજય કૌલે કહ્યું હતું કે આ માત્ર સામાન્ય ટિપ્પણી નથી, મેં કોલેજિયમ સાથે ચર્ચા કર્યા પછી આવી ટિપ્પણી કરી છે.
સર્વોચ્ચ અદાલતનાં બે જજિસ જસ્ટિસ સંજય કૌલ અને જસ્ટિસ સુધાંશું ધુલિયાની બેન્ચે જણાવ્યું હતું કે જો જજિસની નિયુક્તિ પસંદગીનાં ધોરણે કરવામાં આવશે તો યુવાન જજિસ બેન્ચમાં જોડાઈ શકશે જ નહીં. તાજેતરમાં જે ભલામણ કરાઈ છે તેમાં પસંદગીનાં ધોરણે પીક એન્ડ ચૂઝની સિસ્ટમ અપનાવાઈ છે જે ચિંતાની બાબત છે. કેટલીક નિયુક્તિ કરવામાં આવે અને કેટલીક કરવામાં ન આવે તો તેવા કિસ્સામાં સીનિયોરિટી જોખમાય છે. જે સફળ વકીલોને બેન્ચમાં જોડાવા માટે ભાગ્યે જ અનુકૂળ છે. આ વિવાદ પછી સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચેનો વિવાદ ઘેરો બન્યો હોય એમ લાગે છે.










