- ચંદીગઢમાં પાણી પુરી પાડતી પરિયોજનાનું ઉદ્ઘાટન
- મનીમાજરાના એક લાખ લોકોને મળશે
- કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કર્યુ સંબોધન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે ચંદીગઢના મનીમાજરામાં ચોવીસ કલાક પાણીની આપૂર્તિ સુનિશ્ચિત કરતી પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યુ. જેની પાછળ 75 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પરિયોજનાથી મનીમાજરાના એક લાખ લોકોને લાભ મળશે. જેમાં મોર્ડન હાઉસિંગ કોમ્પ્લેક્સ, શિવાલિક એન્ક્લેવ, ઈન્દિરા કોલોની અને શાસ્ત્રીનગરમાં રહેતા લોકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ દરમિયાન અમિત શાહે સંબોધન કરતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
સ્માર્ટ સિટી મિશન હેઠળ પ્રોજેક્ટ શરૂ કરાશે
પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક ગુલાબ ચંદ કટારિયા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ‘સ્માર્ટ સિટી મિશન’ હેઠળ શરૂ કરાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પાણીનો બગાડ અટકાવવાનો છે. પ્રોજેક્ટના અન્ય ઉદ્દેશોમાં લીકેજમાં ઘટાડો, 'સ્માર્ટ મીટરિંગ' દ્વારા પાણીનું સંરક્ષણ, ભૂગર્ભજળ પર મર્યાદિત નિર્ભરતા અને ઊર્જા વપરાશની દેખરેખનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માટે કુલ 22 કિલોમીટર લાંબી પાણી પુરવઠાની પાઈપલાઈન નાખવામાં આવી છે અને બે ભૂગર્ભ જળાશયો બનાવવામાં આવ્યા છે.
અમિત શાહે વિપક્ષ પર કર્યા પ્રહાર
કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે હું તમને વિશ્વાસ અપાવુ છું કે વિપક્ષે જે કરવુ હોય તે કરે. 2029માં એનડીએ આવશે. મોદીજી આવશે. વિપક્ષને ખબર નથી કે કોંગ્રેસને 3 ચૂંટણીમાં જેટલી સીટ મળી છે જેનાથી વધારે સીટ ભાજપે માત્ર આ ચૂંટણીમાં જીતી છે. આ લોકો અસ્થિરતા ફેલાવા માગે છે. વારંવાર કહે છે કે આ સરકાર ચાલશે નહી. હું વિશ્વાસ અપાવવા આવ્યો છું કે માત્ર સરકાર પોતાનો કાર્યકાળ જ પૂરો નહી કરે પરંતુ આગામી સરકાર પણ એનડીએની જ હશે અને વિપક્ષમાં બેસવા માટે તૈયાર રહે.વિપક્ષમાં કામ કરવાની રીત સારી રીતે શીખે.









