- કેસની આગામી સુનાવણી નવમી સપ્ટેમ્બરે થશે
- સુપ્રીમ કોર્ટે જામીન અરજી પરનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો
- સુપ્રીમ કોર્ટે ગઈ વખતની સુનાવણીમાં અરજી પર નોટિસ આપી
સુપ્રીમ કોર્ટે ફાઇબરનેટ કૌભાંડ કેસમાં આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને મોટી રાહત આપી છે. કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, આ કેસમાં હાલ પૂરતી કોઈની ધરપકડ નહીં થાય. આ કેસની આગામી સુનાવણી નવમી સપ્ટેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટે જામીન અરજી પરનો પોતાનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગઈ વખતની સુનાવણીમાં અરજી પર નોટિસ આપી હતી. તે વખતે પણ કોર્ટે કહેલું કે હાલ પૂરતા આ કેસમાં કોઈની ધરપકડ નહીં થઈ શકે. આ કેસમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ચંદ્રબાબુ નાયડુને અગ્રિમ જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આંધ્રપ્રદેશ સરકારના વકીલે નોટિસનો સ્વીકાર કર્યો હતો. સરકારે આશ્વાસન આપ્યું હતું કે રાજ્ય આ કેસમાં પૂર્વ સીએમની ધરપકડ નહીં કરે.
થોડા દિવસ પહેલાં જ આંધ્રપ્રદેશ પોલીસે કોર્ટને જણાવેલું કે કૌશલ વિકાસ નિગમ કૌભાંડ સંબંધિત કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાના લીધે ફાઇબરનેટ કેસમાં તેલુગુ દેશમ્ પાર્ટીના પ્રમુખ એન. ચંદ્રબાબુ નાયડુની 18 ઓક્ટોબર સુધી ધરપકડ નહીં કરે. આંધ્રપ્રદેશ સરકાર તરફથી હાજર વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવેલું કે રાજ્ય આ કેસમાં નીચલી અદાલતને મુલતવી રાખવાની વિનંતી કરશે, જેમાં 16 ઓક્ટોબરે નાયડુને હાજર કરવાના હતા.










