- આગામી સુનાવણી 9 નવેમ્બરના રોજ કરવા કોર્ટનો આદેશ
- 330 કરોડના ફાઈબરનેટ પ્રોજેક્ટમાં હેરાફેરી થયાના આરોપો
- ધરપકડ થશે તો બીજા કેસ ખોલવામાં આવશે: નાયડુના વકીલ
સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને નિર્દેશ કર્યો છે કે તે ફાઈબરનેટ કૌભાંડ મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને આગામી આદેશ આપતા સુધી ધરપકડ ન કરે. જસ્ટિસ અનિરુદ્ધ બોસએ આ મામલે આગામી સુનાવણી 9 નવેમ્બરના રોજ કરવાનો આદેશ કર્યો છે.
કોર્ટે 13 ઓકટોબરના રોજ આંધ્ર પ્રદેશ સરકારને નોટિસ પાઠવી હતી. સુનાવણી દરમિયાન નાયડુ તરફથી હાજર રહેલા વકીલ સિદ્ધાર્થ લૂથરાએ કહ્યું હતું કે એ વાતની આશંકા છે કે પૂર્વ સીએમની ધરપકડ કરવામાં આવી શકે છે. ત્યારે, કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને સૂચન કર્યું હતું કે તે સુનાવણીની આગામી તારીખ સુધી એટલે કે 17 ઓકટોબર સુધી નાયડુની ધરપકડ ન કરે. લૂથરાએ કહ્યું હતું કે નાયડુ વિરુદ્ધ એક-એક મામલે કેસ ખોલવામાં આવી રહ્યા છે. કૌશલ્ય વિકાસ કૌભાંડ મામલે નયડુની ધરપકડ બાદ હવે આ કેસને ખોલવામાં આવ્યો છે.










