- 23 ઓગસ્ટના રોજ સાંજે 5:47 કલાકે ચંદ્રયાન-3 ચાંદામામાની ધરતી પર લેન્ડ કરશે
- લેન્ડર અને રોવર ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે અને ત્યાં 14 દિવસ સુધી વિવિધ પ્રયોગો કરશે
- પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર કાઢીને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષા તરફ રવાના કરી દીધું
સ્પેસ ક્ષેત્રમાં ભારતીય વૈજ્ઞાનિકોને વધુ એક સફળતા હાંસલ થઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ મંગળવારે ચંદ્રયાન-3 અંતરિક્ષયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર કાઢીને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષા તરફ રવાના કરી દીધું છે. ઇસરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચંદ્રયાન-3એ પૃથ્વીની પ્રદક્ષિણા પૂર્ણ કરી છે અને હવે તે ચંદ્ર તરફ આગળ વધ્યું છે. ચંદ્રયાન-3 માટે હવે આગામી પગલું ચંદ્રમા છે. પાંચ ઓગસ્ટને શનિવારે ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરી લેશે. તે પછી 16 ઓગસ્ટ સુધી ચંદ્રની પ્રદક્ષિણા કરતું રહેશે. 17 ઓગસ્ટે ચંદ્રમાની સપાટીથી 100 કિલોમીટર ઉપર પ્રોપલ્શન મોડયૂલથી લેન્ડર અલગ થશે. 23 ઓગસ્ટના રોજ સાંજે 5:47 કલાકે ચંદ્રયાન ચાંદામામાની ધરતી પર લેન્ડ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇસરોએ 14 જુલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:35 કલાકે પોતાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-3 અંતરિક્ષયાનને ચંદ્ર તરફ રવાના કર્યું હતું. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડયૂલ છે. લેન્ડર અને રોવર ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે અને ત્યાં 14 દિવસ સુધી વિવિધ પ્રયોગો કરશે. આ મિશન મારફત ઇસરો એ બાબતની જાણકારી મેળવશે કે ચંદ્રમાની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે અને સાથોસાથ ચંદ્રમાની માટીનો અભ્યાસ પણ કરશે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાનની સફળતા માટે સમગ્ર દેશમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. પાંચ ઓગસ્ટનો દિવસ ચંદ્રયાનની સફળતા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલના તબક્કે તેના તમામ પેરામીટર્સ યોગ્ય રીતે કામ કરી રહ્યા હોવાથી અભિયાનને સફળતા મળવી નિશ્ચિત મનાઇ રહી છે.










