• કપાટ ખૂલ્યા બાદ અત્યાર સુધીમાં કેદારનાથમાં સૌથી વધુ 19 મોત

  • યમુનોત્રીમાં 12, બદરીનાથમાં 9 અને ગંગોત્રીમાં બે શ્રદ્ધાળુઓનાં મૃત્યુ
  • ચારધામ યાત્રા દરમિયાન જીવ ગુમાવનારા મોટાભાગના વૃદ્ધ અને પહેલેથી કોઈ બીમારીથી પીડિત હતા

કેદારનાથ સહિત ઉત્તરાખંડ ચારધામના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહોંચી રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશભરના યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે પરંતુ એક ચિંતાજનક વાત પણ સામે આવી છે. 10 મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં યાત્રાળુઓનાં મોત પણ થઈ રહ્યા છે. 12 દિવસમાં 42 યાત્રાળુઓનાં મોત થયા છે. કપાટ ખૂલ્યા બાદ અત્યાર સુધીમાં કેદારનાથમાં સૌથી વધુ 19 યાત્રાળુઓનાં મોત થયા છે જ્યારે યમુનોત્રીમાં 12, બદરીનાથમાં 9 અને ગંગોત્રીમાં બે શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ચારધામ યાત્રા દરમિયાન જીવ ગુમાવનારા મોટાભાગના વૃદ્ધ અને પહેલેથી કોઈ બીમારીથી પીડિત હતા. યાત્રાળુઓનું હેલ્થ સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે દોઢ લાખ શ્રદ્ધાળુઓનું સ્ક્રીનિંગ કરાયું છે. આમ છતાં ઘણા શ્રદ્ધાળુઓ બીમારી છુપાવીને યાત્રા માટે પહોંચી રહ્યા છે. ઉત્તરાખંડનો આરોગ્ય વિભાગ ચારધામ યાત્રા માટે હેલ્થ એડવાઇઝરી પણ જારી કરી ચૂક્યો છે, જે મુજબ યાત્રા પર આવતા પહેલાં હેલ્થ ચેકઅપ કરાવવા અને બીમાર હોય તેમને યાત્રા ન કરવા સલાહ અપાઈ છે.

હાર્ટ પ્રોબ્લેમ, શ્વાસની તકલીફ ધરાવતા લોકોને પરેશાની

ઉત્તરાખંડમાં બદરીનાથ-કેદારનાથ સહિત ચારેય ધામ દરિયાની સપાટીથી ઘણી ઊંચાઈ પર સ્થિત હોવાના કારણે દેશવિદેશથી આવતા શ્રદ્ધાળુઓએ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનો સામનો કરવો પડે છે. ઊંચાઈ પર ઓછા ઓક્સિજનને કારણે ખાસ કરીને કોઈ હાર્ટ પ્રોબ્લેમ કે શ્વાસની તકલીફના દર્દીઓ અને વૃદ્ધોની પરેશાની વધી જાય છે.


  • Follow us on: