• રાજસ્થાન, મહારાષ્ટ્ર, નેપાળના ઘણા યાત્રાળુઓ શિકાર બન્યા

  • બડકોટ રજિ.વેરિફિકેશન સેન્ટરે પહોંચે ત્યારે છેતરાયાની જાણ થાય છે
  • પૂણેથી ત્રણ બસમાં ગયેલા 93 યાત્રાળુઓ પાસેથી ચારધામ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના નામે છેતરપિંડી

રાજસ્થાનથી ઉત્તરાખંડ પહોંચેલા યાત્રાળુઓ સાથે તથા પૂણેથી ત્રણ બસમાં ગયેલા 93 યાત્રાળુઓ પાસેથી ચારધામ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના નામે છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. ઉત્તરાખંડના ચારેય ધામ- ગંગોત્રી-યમુનોત્રી અને કેદારનાથ-બદરીનાથના દર્શનના નામે છેતરપિંડીના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. પૂણેથી ત્રણ બસમાં પહોંચેલા 93 લોકોએ જણાવ્યું કે તેમને ઋષિકેશમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને મોકલાયા છે, જેમાં 17 મેએ યમુનોત્રીની યાત્રા કરવાની છે એમ જણાવાયું છે. જોકે બડકોટ રજિસ્ટ્રેશન વેરિફિકેશન સેન્ટર પર માલૂમ પડયું કે ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં 17 જૂને યમુનોત્રી ધામની યાત્રાનું રજિસ્ટ્રેશન છે. ઋષિકેશ અને હરિદ્વારથી ઘણા શ્રદ્ધાળુઓને જૂન કે જુલાઇના રજિસ્ટ્રેશન પર મે મહિનામાં યાત્રાએ મોકલાઇ રહ્યા છે, જેના કારણે તેઓ ઘણી તકલીફો વેઠી રહ્યા છે. રજિસ્ટ્રેશન વેરિફિકેશન સેન્ટર પર નેપાળથી આવેલા ઘણા યાત્રાળુઓએ પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો.

તેમાંથી કેટલાકનું એક મહિના પછીનું તો કેટલાકનું બે મહિના પછીનું રજિસ્ટ્રેશન છે. હરિદ્વારમાં નેપાળના 25 યાત્રાળુઓનું કોઇ અજ્ઞાત શખ્સે બોગસ રજિસ્ટ્રેશન કરાવી દીધું. તેઓ ગંગોત્રી ધામથી 20 કિ.મી. દૂર પહોંચ્યા ત્યારે તેમને આ છેતરપિંડી અંગે જાણ થઇ. વહીવટીતંત્ર દ્વારા તેમને ગંગોત્રી ધામ તરફ આગળ વધતા અટકાવાતા તેઓ ફરી યાત્રા શરૂ કરવા ઓફલાઇન રજિસ્ટ્રેશન કરાવવા ઋષિકેશ પહોંચ્યા. જોકે રજિસ્ટ્રેશન પર રવિવાર સુધી રોક લાગી હોવાનું માલૂમ પડતાં તેઓ મૂંઝવણમાં મુકાયા હતા. ઘણા યાત્રાળુઓ ચારધામ રજિસ્ટ્રેશનના નામે છેતરપિંડીનો શિકાર બન્યા છે. લેભાગુ તત્વો તેમને મે મહિનાની અમુક ચોક્કસ તારીખ સુધીમાં યાત્રા કરવાનું મૌખિક રીતે કહી દે છે પણ હકીકતમાં તેમના ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં યાત્રાની તારીખનો ઉલ્લેખ હોતો જ નથી, જેથી તેમને રોકી દેવાય છે.  

પહાડોમાં વાતાવરણ પલટાયું

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બપોર બાદ હવામાને પલટો ખાધો છે. યમુનોત્રી સહિત આસપાસન ગામોમાં વરસાદ થયો હતો જ્યારે બડકોટ તાલુકામાં વાવાઝોડું ફુંકાયું હતું. યમુનોત્રીમાં અડધો કલાક કરતા વધારે સમય સુધી ભારે વરસાદ થયો હતો. અહીં મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓને વરસાદને કારણે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જાનકીચટ્ટી-યમુનોત્રી વચ્ચે પગપાળા માર્ગે જઇ રહેલા શ્રદ્ધાળુઓને રસ્તો લપસણો થવાને કારણે ભારે સમસ્યાનો સામનો કરવાની નોબત આવી હતી.

  • Follow us on: